કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી રામદાસ આઠવલે આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમણે આજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તેમની રીપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડીયાની બેઠકમાં હાજરી આપી હતી, ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાટીદાર અનામતનો મુદ્દો છંછેડતા રાજ્યના રાજકારણમાં ફરી ગરમા ગરમી જોવા મળી હતી. આ સિવાય તેમણે દેશની જાતિ વ્યવસ્થા, ગુજરાતના વિકાસ, ગુજરાતમાં આગામી યોજાનાર વિધાનસભા ચૂંટણી અને નાયબ સીએમ નીતિન પટેલના હિન્દૂની વસ્તી મામલે ચર્ચા કરી હતી. મંત્રી આઠવલેએ સમગ્ર દેશની જાતી વ્યવસ્થા વિશે વાત કરતા કહ્યું કે, અમે બધાને ન્યાય મળે તે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર દેશમાં ૧ લાખ ઈન્ટર કાસ્ટ મેરેજ તઈ રહ્યા છે. કેટલાક લોકોને દલિત સારા કપડા પહેરે કે, ઘોડા પર બેસે તો સારી નથી લાગતું. હાલમાં દેશમાં હાથથી ગટર સફાઈ કરતા કર્મીઓ ૬૦ હજારથી વધુ છે. તેમને આ પ્રકારે કામ ન કરવું પડે તે માટે યોજના શરૂ કરવામાં આવી છે. તેમણે અનામત મામલે વાત કરતા કહ્યું કે, ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને અલગ ક્વોટા બનાવીને અનામત મળવી જોઈએ. તેમનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં. પરંતુ અમારી પહેલાથી માંગ રહી છે કે, મહારાષ્ટ્ના મરાઠા, ગુજરાતના પાટીદાર, આ સિવાય જેમની ૮ લાખથી ઓછી આવક ધરાવનારને અનામત આપવી જોઈએ. આઠવલેએ કહ્યું કે, દેશમાં વધતી વસ્તી ચિંતાનું કારણ છે, જેથી અમારી પાર્ટી સરકાર સમક્ષ વન ફેમેલી વન ચાઈલ્ડનો પ્રસ્તાવ મુકશે. દેશમાં વધતી વસ્તી પર કાબુ મેળવવાની ખાસ જરૂર છે. તેમણે કહ્યું કે, વધતી મોંઘવારી અને દેશના વિકાસ માટે દેશમાં દરેક સમાજ માટે વન ફેમેલી વન ચાઈલ્ડનો કાયદો લાવવો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, પહેલા પરિવાર નિયોજન માટે ’હમ દો, હમારે દો’નો નારો હતો, હવે ’હમ દો, હમારે એક’નો નારો હવે જરૂરી છે. દેશમાં આ પ્રકારનો કાયદો આવે તે માટે અમે કોશિસ કરીશું.