દર વર્ષની પરંપરા મુજબ આવતીકાલે વહેલી સવારે પેલેસથી ધજા નિષ્કલંક પ્રસ્થાન કરશે
ગોહિલવાડ રાજવી પરીવાર દ્વારા એક સદી કરતાં વધુ સમયથી દર વર્ષે ભાદરવી અમાસે વિશ્વ વિખ્યાત કોળીયાક ગામનાં સમુદ્રમાં પાંડવ સ્થાપિત ૫ હજાર વર્ષ જૂના નિષ્કલંક મહાદેવ ખાતે રાજાશાહી ની આદી પરંપરા મુજબ ધ્વજસ્તંભ પર પ્રથમ ધ્વજા ચડાવવામાં આવે છે. આ અમાસના એક દિવસ અગાઉ શહેરના રાજમહેલ નિલમબાગ પેલેસ ખાતે રાજવંશોજોની ઉપસ્થિતી માં રાજપુરોહિત દ્વારા પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવે છે જે આજે સંપન્ન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના કોળીયાક ગામના સમુદ્રમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ નિષ્કલંક ધામ(નકળંગ) ખાતે દર વર્ષે શ્રવણવદ અમાસ એટલે કે ભાદરવી અમાસના દિને ભવ્ય લોકભાતિગળ મેળો યોજાય છે અને આ મેળામાં તથા સમુદ્ર સ્નાન,પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ ના દર્શન – પૂજનનું વિશેષ મહાત્મ્ય રહેલું છે જેનું શાસ્ત્રોમાં પણ પ્રમાણ આજે પણ અકબંધ છે ત્યારે છેલ્લા બે વર્ષથી વિશ્ર્વવ્યાપી “કોરોનાની” મહામારી ને પગલે લોકમેળાઓ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ત્યારે આ વર્ષે પણ ધાર્મિક ઔપચારિકતા ને પ્રધાન્યતા સાથે કેટલીક શરતી મંજૂરી આપવામાં આવી છે બાકી દર વર્ષે દેશ- વિદેશથી લાખ્ખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે લોકો ને માત્ર જરૂરી પ્રમાણપત્ર સાથે અસ્થિ વિસર્જન અને ભાવનગર રાજવી પરિવાર ને ધ્વજા ચડાવવાની મંજૂરી આપવામાં આવી છે જે મુજબ ભાદરવી અમાસના એક દિવસ અગાઉ ભાવનગર શહેર સ્થિત નિલમબાગ પેલેસ ખાતે ધ્વજા પૂજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં રાજવી પરીવારના સભ્યોએ ૧૨૬મી ધજાનુ રાજપુરોહિત ની આજ્ઞા મુજબ શાસ્ત્રોક્ત પૂજન-અચૅન કર્યું હતું એ સાથે યુવરાજ જયવિરરાજસિંહ એ ભાવનગર ની રયૈતની સર્વે પ્રકારે સુખ,શાંતિ, સમૃદ્ધિ ની નિષ્કલંક મહાદેવને પ્રાર્થના કરી હતી.