ઇ-મેમો ન ભરનાર વાહન ચાલકનું ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ થઇ શકે છે : તીસરી આંખ સમુ નેત્ર ૩૪૪ ભારેખમ ગુનાના ડિટેક્શનમાં મદદગાર બન્યું : રૂા. ૬૪.૬૬ લાખ ઇ-મેમા દંડની વસૂલાત કરાઇ
ભાવનગર પોલીસ બેડાની તિસરી આંખ સમા નેત્ર ૩૪૪ ભારેખમ ગુનાના ડિટેક્શનમાં મદદગાર બન્યું છે. જ્યારે ૧૯ માસ દરમિયાન ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા ૩૨,૨૫૬ લોકોને ઇ-મેમા પકડાવી કુલ ૬૪.૬૬ લાખ દંડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે ઇ-મેમો ન ભરનાર વાહન ચાલક સામે ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ શકે છે.
ભાવનગર શહેરમાં સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં ૨૭૮ કેમેરા લગાવવામાં આવ્યા છે. નેત્રની મદદથી ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. નેત્રની ટીમ દ્વારા કેમેરાની મદદથી ગુનાહિત પ્રવૃત્તિ, મારામારી, ચોરી, લૂંટ, અપહરણ સહિતના કુલ ૩૪૪ બનાવોમાં મદદરૂપ કામગીરી કરી છે. પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી મોનિટરીંગ કરી ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરતા, વાહનમાં સીટ બેલ્ટનો ઉપયોગ ન કરતા, ડ્રાઇવીંગ સીટ પર પેસેન્જર બેસાડતા, ટુ વ્હીલરમાં બે કરતા વધારે લોકો મુસાફરી કરી ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે ગત તા.૧૫-૨-૨૦૨૦ થી આજદિન દરમિયાન ૩૨,૨૫૬ ઇ-મેમા ઇશ્યુ કરવામાં આવ્યા છે. અને કુલ ૬૪,૬૬,૧૦૦ દંડની વસૂલાત કરવામાં આવી છે. ટ્રાફિક નિયમના ભંગ કરનાર ચાલકોના સરનામા પર ઇ-મેમા મોકલવામાં આવ્યા છે. પરંતુ અનેક વાહન ચાલકોએ ઇ-મેમા દંડ ભરવા અંગે ગંભીરતા દાખવી નથી. બે-ત્રણ વખત ઇ-મેમા મળવા છતાં ગંભીરતા લઇ રહ્યાં નથી ત્યારે જે લોકો ટ્રાફિકના નિયમનું ભંગ કરી ઇ-મેમાના દંડ સમયસર ભરતા નથી તેવા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી થઇ શકે છે. જેમાં ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ શકે છે તેમ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરે જણાવ્યું હતું. ઇ-મેમોનો દંડ એસ.પી. કચેરી સ્થિત નેત્ર ઓફિસે, સિટી ટ્રાફિક ઓફિસે અને ઓનલાઇન ભરી શકાય છે. ઓનલાઇન દંડ ભરવામાં તકલીફ પડતી હોય તેવા લોકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પાંચ ટીમની રચના કરવામાં આવી છે જે ટીમ ઘરે ઘરે જઇ ઇ-મેમો દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરશે.