બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષકોનો ફાળો બહુમુલ્ય રહ્યો છે- અધ્યક્ષ બી.એચ. ઘોડાસરા
બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે જિલ્લા શિક્ષણ પારિતોષિક પસંદગી સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બી.એચ. ઘોડાસરાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો.શિક્ષક દિને યોજાયેલા આ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રીએ ઉદ્દબોધનમાં બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષકોનો ફાળો બહુમુલ્ય રહયો હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે બાળકોમાં સુ-સંસ્કારનું સિંચન થકી તેમનામાં સામાજીક ભાવનાની સાથે રાષ્ટ્રીય ભાવનાનું નિર્માણ કરવાની કપરી જવાબદારી શિક્ષકો નિભાવી રહયાં છે. શિક્ષણના કાર્યમાં મૂલ્યવર્ધનની સાથે શાળામાં આવતાં બાળકોને વધુ સારૂં ગુણાત્મક શિક્ષણ મળી રહે તે માટે શાળાકિય શિક્ષણની ગુણવત્તા સુધારવા શાળાઓમાં સત્રાંત – વાર્ષિક પરિક્ષાઓ, તાસ પધ્ધતિ અને વિષયવાર શિક્ષક પધ્ધતિ સહિતના અનેકવિધ પગલાઓ રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે.તેમણે બાળકોના ચારિત્ર્ય ઘડતરની કપરી કામગીરી નિભાવી રહેલા શિક્ષકોની કામગીરીને બિરદાવતાં ઉમેર્યું હતુ કે, જે રીતે કુંભાર માટીના પીંડને મસળીને તેમાંથી સુંદર શિલ્પ – કૃતિનું સર્જન કરે છે, તેવી જ રીતે શિક્ષકો પણ શાળામાં આવતાં બાળકોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે તેમનામાં સંસ્કારિતતાના બીજનું આરોપણ કરવાનું બહુમૂલ્ય કાર્ય કરી રહયાં છે. શિક્ષકોના આ શ્રેષ્ઠતમ કાર્યને બિરદાવવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ શિક્ષક દિને રાજયના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે.તેમણે આ તકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિએ યોજાયેલ આ શિક્ષકોના સન્માનના કાર્યમાં સહભાગી થવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે ચેરમેન તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાના શિક્ષકોને તેમજ તાલુકા કક્ષાના શિક્ષકને શાલ ઓઢાડીને, પ્રશસ્તિપત્ર અને પુરસ્કાર અર્પણ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સાગરભાઈ પંડ્યાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરી ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્ય્કતત કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાદું, અધિક જિલ્લા કલેકટર મુકેશ પરમાર, પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ, ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવો, અધિકારી – પદાધિકારીઓ, શિક્ષકો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા.