છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૨૭૬૬ કેસ

108

કેરળમાં સન-ડે લોકડાઉન : મહારાષ્ટ્રમાં ૪,૧૩૦ નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા હતા અને ૬૪ ચેપગ્રસ્ત લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ હતી
નવી દિલ્હી,તા.૫
દેશમાં કોરોના વાયરસની સ્પીડે ફરી એક વખત ડરાવવાનું શરૂ કરી દીધું છે. આજે સતત પાંચમા દિવસે કોરોનાના ૪૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાના ૪૨,૭૬૬ નવા કેસ નોંધાયા છે. જેના કારણે દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ફરીવાર ૪ લાખ (૪,૧૦,૦૪૮)ને વટાવી ગઈ છે. હાલમાં રિકવરી રેટ ૯૭.૪૨ ટકા છે. મહારાષ્ટ્રમાં ૪,૧૩૦ નવા કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યા હતા અને ૬૪ ચેપગ્રસ્ત લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. રાજ્યના આરોગ્ય વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રમાં કુલ કેસ ૬૪,૮૨,૧૧૭ પર પહોંચી ગયા છે જ્યારે મૃત્યુઆંક ૧,૩૭,૭૦૭ પર પહોંચી ગયો છે. આજે ૨૫૦૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારબાદ ચેપ મુક્ત બનેલા લોકોની સંખ્યા ૬૨,૮૮,૮૫૧ પર પહોંચી ગઈ છે. કેરળની વાત કરવામાં આવે તો ત્યાં ૨૯,૬૮૨ કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ૧૪૨ લોકોના મોત થયા હતા. કોરોનાના વધતા કેસ વચ્ચે કેરળમાં રવિવારે પણ લોકડાઉન ચાલુ છે, આ દરમિયાન માત્ર આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવી છે. પોલીસ લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્ણાય મંત્રાલય મુજબ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં ૬૬.૮૯ કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા છે, પાઇપલાઇનમાં ૧.૫૬ કરોડથી વધુ ડોઝ છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ૪.૩૭ કરોડથી વધુ રસી ડોઝ હજુ પણ ઉપલબ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬ સપ્ટેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા હિમાચલ પ્રદેશના આરોગ્ય કર્મચારીઓ અને કોવિડ -૧૯ રસીકરણના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. શનિવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.

Previous articleકેરળમાં નિપાહ વાયરસે ફરી વખત માથું ઉંચક્યું
Next articleકૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો