ગુજરાતમાં હીટવેવ : ગરમીથી લોકો પરેશાન

926
guj2542018-4.jpg

અમદાવાદ અને પાટનગર ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં વધુ વધારો થયો છે. જેના પરિણામ સ્વરુપે લોકો આજે ત્રાહિમામ પોકારી ગયા હતા. જો કે, હવામાન વિભાગ તરફથી હિટવેવની કોઇ ચેતવણી જારી ન થતાં લોકોને રાહત થઇ છે. અનેક ભાગોમાં પારો આજે ૪૨થી પણ ઉપર પહોંચ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ ઇડરમાં થયો હતો જ્યાં પારો ૪૨.૮ સુધી પહોંચ્યો હતો. ડિસા, ગાંધીનગર, રાજકોટ, ભુજ, કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૧ રહ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૨થી ઉપર પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે આજની સરખામણીમાં વધશે નહીં પરંતુ પારો ૪૧ની આસપાસ રહેશે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. વધતી  ગરમી વચ્ચે  સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે.  અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અનેક જગ્યાઓ ઉપર પારો ૪૨થી પણ ઉપર પહોંચી ગયો છે. આજે અનેક વિસ્તારોમાં પારો એકાએક વધ્યો હતો. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થવાની સંભાવના છે. આજે સુરેન્દ્રનગરમાં પારો ૪૨.૩ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ આવતીકાલે પારો ૪૦થી ઉપર પહોંચી શકે છે. બપોરના ગાળામાં વધતી ગરમીના કારણે લોકો હવે બહાર નિકળવાનું ટાળતા જનજીવન પણ ખોરવાઈ ગયું છે. ગાંધીનગરમાં ૪૧, ઇડરમાં ૪૨.૮, વડોદરામાં ૪૦.૭, રાજકોટમાં ૪૧.૪, સુરેન્દ્રનગરમાં ૪૨.૩ અને કડંલા એરપોર્ટમાં ૪૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૯ અને લઘુત્તમ તાપમાન ૧૯.૪ ડિગ્રી નોંધાયું હતું. મ્યુનિસિપલ તંત્ર દ્વારા હિટવેવને લઈને પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે વધારે પાણી પીવાની સલાહ નિષ્ણાત તબીબો લોકોને આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે હવે ઘણી જગ્યાઓએ પાણીની પરબોની પણ લોકો દ્વારા શરૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૨૧ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૫૯૬, કમળાના ૧૫૯, ટાઇફોઇડના ૧૮૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કમળાના કેસો પર એપ્રિલ ૨૦૧૭ની સરખામણીમાં ઓછા નોંધાયા હોવા છતાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૨૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૧૬૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૧૫ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૦ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા છે. 

Previous articleભટનાગર બંધુઓની ૧૧૨૨ કરોડની સંપત્તિ જપ્ત કરતું ઈડી
Next articleજૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કેસર કેરીથી ઊભરાયું