લાખો કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ ચુકવાશે
ગાંધીનગર,તા.૬
રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. ભારત સરકારના નિર્ણય બાદ હવે રાજ્ય સરકારે પણ સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મહત્વનું છે કે પહેલા ૧૭ ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું હવે તેમાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સરકારી કર્મચારીઓને હવે ૨૮ ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે. નીતિન પટેલની આ જાહેરાત બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને મોટો ફાયદો થવાનો છે. હવે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે હવે દરેક કર્મચારીઓ અને પેન્શનર્સને ૨૮ ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે. નાયબ મુખ્યમંત્રીએ આપેલી માહિતી પ્રમાણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ ચુકવવામાં આવશે. સરકારી કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના એરિયર્સની રકમ બે ભાગમાં ચુકવવામાં આવશે. રાજ્યના નવ લાખ કર્મચારીઓને ફાયદો થવાનો છે. મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી રાજ્ય સરકાર પર ૩૭૮ કરોડ રૂપિયાનો બોજ પડશે. નીતિન પટેલે કહ્યુ કે, ઓગસ્ટ મહિનાની ચુકવણી જાન્યુઆરી ૨૦૨૨માં કરવામાં આવશે. મહત્વનું છે કે આ પહેલા કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે અન્ય રાજ્ય સરકારો પણ જાહેરાત કરી રહી છે. ગુજરાતે પણ પોતાના સરકારી કર્મચારીઓ માટે જાહેરાત કરી છે. રાજ્યના ૯ લાખ જેટલા સરકારી કર્મચારીઓને આ નિર્ણયથી ફાયદો થવાનો છે.