હિમાચલ યોગ્ય વસતીને રસીનો એક ડોઝ અને એક તૃતીયાંશ આબાદીને બીજો ડોઝ લગાવનાર પ્રથમ રાજ્ય
નવી દિલ્હી,તા.૫
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફ્રસિંગ દ્વારા હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ હાજર રહ્યા. સ્વાસ્થ્ય કર્મચારીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ, ભારત આજે એક દિવસમાં સવા કરોડનું રસીકરણ કરીને રેકોર્ડ બનાવી રહ્યુ છે. જેટલી રસી ભારત આજે એક દિવસમાં લગાવી રહ્યુ છે, તે કેટલાક દેશની સમગ્ર વસતી કરતા પણ વધારે છે. હિમાચલ પ્રદેશમાં રસીકરણ અભિયાનના વખાણ કરતા કહ્યુ, ૧૦૦ વર્ષની સૌથી મોટી મહામારી વિરુદ્ધ લડતમાં હિમાચલ પ્રદેશ ચેમ્પિયન બનીને સામે આવ્યુ છે. હિમાચલ ભારતનુ પહેલુ રાજ્ય બન્યુ છે, જેણે પોતાની પૂરી યોગ્ય વસતીને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવી દીધો છે. અને એક તૃતીયાંશ આબાદીને બીજો ડોઝ લગાવાયો છે. પીએમ મોદીએ કહ્યુ, જે સૌના પ્રયાસની વાત મે ૭૫માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી કરી હતી, આ તેનુ જ પ્રતિબિંબ છે. હિમાચલ બાદ સિક્કિમ અને દાદરા નગર હવેલીએ સો ટકા પહેલા ડોઝનો પડાવ પાર કરી લીધો છે અને અનેક રાજ્ય આની ઘણી નજીક પહોંચી ગયા છે. હિમાચલમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ હતી, જે રસીકરણમાં અડચણરૂપ સાબિત થઈ. પહાડી પ્રદેશ હોવાના કારણે લૉજિસ્ટિકની મુશ્કેલી રહે છે. કોરોના રસીનો સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશનની વધુ મુશ્કેલીઓ થાય છે.