ઉમરાળા તાલુકાના જાળિયા ગામે શિવકુંજ આશ્રમ દ્વારા કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું

145

કોરોનાની મહામારીમાં રાજ્ય સરકાર સાથે સમાજસેવી સંસ્થાઓએ પણ ખભો મિલાવીને કામ કર્યું છે.તો ધાર્મિક સંસ્થાઓ પણ તેમાં પાછળ રહી નથી. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળિયા ખાતે આવેલ શિવકુંજ આશ્રમ પણ એક આવો જ સેવાભાવી અભિગમ ધરાવતો આશ્રમ છે. જે સમાજના લોકોની સેવા માટે સદાય તત્પર હોય છે. જાળિયાના શિવકુંજ આશ્રમ દ્વારા તાજેતરમાં આશ્રમ ખાતે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ સામે જ્યારે કોરોનાની મહામારી પડકાર બનીને ઉભી રહી છે ત્યારે સમાજનો પ્રત્યેક વ્યક્તિ કોરોના ની રસી લઈને થઈ જાય તે અત્યંત આવશ્યક છે કોરોનાની લડાઈ સામે તે પ્રમુખ શસ્ત્ર સાબિત થયું છે. શ્રાવણ માસ નિમિત્તે વિશ્વાનંદમાતાજીના સંકલનમાં શિવકુંજ આશ્રમ ખાતે વિવિધ યજ્ઞો સાથે સામાજિક આયોજનો હાથ ધરવામાં આવે છે.જેમાં આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કોરોના રસીકરણ કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના રંઘોળા આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડૉ. મનસ્વીની માલવિયાના માર્ગદર્શન સાથે આ પંથકમાં કોરોના રસીકરણ માટે સઘન ઝુંબેશ ચાલી રહી છે. જેમાં શિવકુંજ આશ્રમનો સાથ – સહકાર અને સહયોગ મળતાં કોરોના રસીકરણની કામગીરી ઉમરાળા તાલુકામાં વધુ વેગવાન બની છે. આ કામગીરીમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓ જોડાઈ રહ્યાં છે. ઉમરાળા તાલુકાના જાળિયાના શિવકુંજ આશ્રમ ખાતે યજ્ઞમાં શાસ્ત્રીઓ તેમજ ભાવિકો અને ગ્રામજનોએ મોટા પ્રમાણમાં કોરોના રસીકરણનો લાભ લીધો હતો.

Previous articleબજરંગદાસ બાપા આરોગ્યધામમાં યોજાયેલ નિદાન કેમ્પમાં ૮૫૦ દર્દીઓએ લાભ લીધો
Next articleતા. ૨૫ સપ્ટેના રોજ નવીદિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે