ઘોઘા અને મહુવા પંથકમાં દોઢ ઈંચ જ્યારે પાલીતાણામાં ધોધમાર ૧ ઈંચ વરસાદ પડ્યો અન્યત્ર હળવા ઝાપટાથી અડધો ઈંચ વરસાદ
અષાઢ અને શ્રાવણ માસ કોરા રહ્યા બાદ ભાદરવો ભરપુરની કહેવત તેમજ હવામાન ખાતાની ચાર દિવસની વરસાદની આગાહી સાચી પડતી હોય તેમ ભાવનગર શહેર અને જિલ્લામાં ભાદરવાના પ્રારંભ સાથે જ મેઘરાજા મોડીરાત્રે મનમુકીને વરસ્યા હતા. ભાવનગર શહેરમાં મોડીરાત્રે વિજળીના કડાકા ભડાકા સાથે અઢ્ઢી ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં અડથા લઈ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જ્યારે જિલ્લાના અનેક જળાશયોમાં નવાનીરની આવક થવા પામી છે. સમયસરના વરસાદના કારણે ખેતીના બહુમુલ્ય પાકને જીવતદાન મળ્યુ છે. ભાવનગરમાં લાંબા સમયના વિરામબાદ ફરી મેઘરાજા રિજ્યા હોય તેમ ગઈકાલે દિવસભર ભારે ઉકળાટ અને બફારા બાદ મોડીરાત્રીના જોરદાર પવન અને તથા વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટીંગ કર્યુ હતું. અને માત્ર એકાદ કલાકમાં જ અઢ્ઢી ઈંચ જેટલો વરસાદ ભાવનગર શહેરમાં પડી ગયો હતો. જો કે ઝરમર વરસાદ સવાર સુધી શરૂ રહ્યો હતો મોડી રાત્રીના પડેલા ભારે વરસાદના કારણે શહેરના નિચાણવાળા સહિત વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભાવનગર જિલ્લાના તાલુકા મથકોમાં પણ વરસાદ પડ્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં ઘોઘા અને મહુવા તાલુકામાં પણ મોડીરાત્રીના દોઢ ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે પાલીતાણા તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તળાજા, સિહોર, ગારીયાધાર અને જેસર પંથકમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. આ સીંઝનમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ અત્યાર સુધીમાં ગારીયાધાર પંથકમાં ૮૫ ટકા ઉપરાંત પડ્યો છે. જ્યારે સૌથી ઓછો સિહોર પંથકમાં ૩૦ ટકા વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર ઉપરાંત મહુવા, પાલીતાણા અને ઘોઘા પંથકમાં ૫૫થી૬૫ ટકા જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ જવા પામ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે નદી તળાવોે અને ચેકડેમો સહિત જળાશયોમાં સારી એવી પાણીની આવક થવા પામી છે. તો સમયસરના વરસાદના કારણે ખેતીનો પાક પણ બચી જવા પામ્યો છે. આમ ભાદરવો ભરપુર તથા હવામાન ખાતાની આગાહી ભાવનગરમાં સાચી પડી છે.