બાંદ્રા-ભાવનગર ટ્રેન લાલ સિગ્નલ તોડી પસાર થઈ, યાત્રિકોના માથેથી ઘાત ટળી

148

અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર રેડ સિગ્નલ હોવા છતાં ટ્રેન થંભાવાઈ નહીં : એક ચૂકથી અકસ્માતની ગોઝારી દુર્ઘટના સર્જાત, રેલવેના અધિકારીઓ ગંભીર ઘટનાની કોઈ જાણ નહીં!
અમદાવાદના ચાંદલોડિયા સ્ટેશન પર મધરાત્રિના સુમારે રેલવેની મોટી હોનારત બનતા બચી ગઈ હતી. બાંદ્રાથી ભાવનગર આવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને સ્ટેશન પર લાલ સિગ્નલ હોવા છતાં થંભાવાના બદલે પસાર કરી દેવાઈ હતી. રેડ સિગ્નલ તોડી ટ્રેન પસાર થઈ ત્યારે સદ્‌નસીબે ટ્રેક પર કોઈ ટ્રેનની આવન-જવન ન હોવાથી મુસાફરોના માથેથી મોટી ઘાત ટળી હતી.
આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ગઈકાલે સોમવારે સાંજે ૪-૪૫ કલાકે બાંદ્રા ટર્મિનસથી ભાવનગર ટર્મિનસ આવવા માટે રવાના થઈ હતી. દરમિયાનમાં બાંદ્રા-ભાવનગર ટ્રેન મોડી રાત્રિના અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશનને પસાર થવાની હતી. તે સમયે આગળ ભય હોવાથી ચાંદલોડિયા સ્ટેશન પર ટ્રેનને થંભાવા માટે રેડ સિગ્નલ અપાયું હતું. આ સમયે ટ્રેનના લોકો પાયલોટે એક મોટી ચૂક કરી ટ્રેનને ઉભી રાખવાના બદલે યલો સિગ્નલ મળ્યા પહેલા જ પસાર કરી દીધી હતી. રેલવેમાં રેડ સિગ્નલ તોડવાને ડેન્જર માનવામાં આવે છે, ભાવનગર-બાંદ્રા-ભાવનગર ટ્રેન મોટાભાગે મુસાફરોથી ભરચક જ રહેતી હોય છે. ત્યારે મધરાત્રિના બનેલા આ બનાવે મુસાફરોના જીવ તાળવે ચોટાડી દીધા હતા. અક્ષમ્ય કહીં શકાય તેવી આ ચૂકથી અકસ્માતની મોટી ગોઝારી દુર્ઘટનામાં પરિણમી હોત તો પશ્ચિમ રેલવેના ઈતિહાસમાં કાળી ટીલ્લી સમાન બની જાત. તેમ છતાં રેલવેના અધિકારીઓને આવી ગંભીર બાબતની જાણ સુધા પણ નથી. જે મોટો સવાલ ઉભો કરે છે. રેલવે તંત્ર દ્વારા ઘટનાને દબાવવા માટે આવો કોઈ બનાવ જ ન બન્યો હોવાની રેકર્ડ વગાડવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની હોવાનું વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું હતું. ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર બાંદ્રા-ભાવનગર ટ્રેને સિગ્નલ તોડયું તે સમયે બીજા ટ્રેક પર સામેથી ટ્રેન પસાર થઈ રહી હોવાનું વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારે બન્ને ટ્રેન અલગ-અલગ ટ્રેક પર હોવાથી દુર્ઘટના બનતી અટકી હતી. પરંતુ રેલવે સ્ટેશન પર બીજી કોઈ ટ્રેન ઉભી હોય અથવા કોઈ કામગીરી શરૂ હોત તો ભયાવહ દુર્ઘટનાને બનતી રોકી ન શકાત. વધુમાં બીજા ટ્રેક પર દોડતી ટ્રેનને મળેલા યલો સિગ્નલને લઈ કન્ફ્યૂઝનમાં બાંદ્રા ટ્રેનને સિગ્નલ તોડી પસાર કરી દેવામાં આવી હોવાનું પણ કહેવાય છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા ઢાકપીછોડા કરવાના બદલે મુસાફરોની મહામૂલી જિંદગી માટે બનાવની સત્યતા તપાસી કાર્યવાહી કરવી જરૂરી બની છે.

Previous articleકોરોનાની રસી લો અને ૧ લિટર તેલ મફત લઈ જાવ
Next articleભાવનગરની દીકરીએ દિલ્હીમાં મિસિસ ઈન્ડિયા ફિટેસ્ટ બોડી, મિસિસ ઈન્ડિયા ઈન્ટેલિજન્ટ વુમન ૨૦૨૧નો ખિતાબ જીત્યો