કોરોનાથી મોતમાં દરેકને વળતર ન મળી શકે : સુપ્રીમ

124

કોરોનામાં મોત યોગ્ય સુવિધાને અભાવે થયાની દલીલ : કોરોનાથી થયેલા દરેક મોતને મેડિકલ બેદરકારી માની પરિવારને વળતર આપવાની માગ સુપ્રીમ કોર્ટે ઠુકરાવી
નવી દિલ્હી,તા.૮
કોરોનાથી થયેલા દરેક મોતને મેડિકલ બેદરકારી માની પરિવારને વળતર આપવાની માગ સુપ્રીમ કોર્ટે ઠુકરાવી દીધી છે. કોર્ટે કહ્યું કે કોરોનાને કારણે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે.
આ દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ તે ન કહી શકાય કે દરેક મોત મેડિકલ બેદરકારીને કારણે થયા છે. અરજીકર્તા દીપક રાજ સિંહની દલીલ હતી કે મોટાભાગના મોત ઓક્સિજનની કમી કે સારવારની જરૂરી સુવિધા ન હોવાને કારણે થયા છે. સ્વાસ્થ્ય પર સંસદની સ્થાયી સમિતિએ કોરોનાની બીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી. ઓક્સિજન અને હોસ્પિટલ બેડની કમી તરફ સરકારનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પરંતુ સરકારે યોગ્ય તૈયારી કરી નહીં. વકીલ શ્રીરામ પરક્કટ દ્વારા દાખલ અરજીમાં તે પણ કહેવામાં આવ્યું કે અલગ-અલગ સરકારો અને સંસ્થાઓએ ભીડ ભેગી થવાની મંજૂરી આપી. ચૂંટણી રેલીઓ, કુંભ મેળા જેવા આયોજનો કરવામાં આવ્યા હતા. સરકારે ન માત્ર સારી સારવાર માટે જરૂરી મેનેજમેન્ટ ન કર્યું, પરંતુ પોતાની બેદરકારીથી કોરોનાને નિમંત્રણ આપ્યું હતું. દરેક મોતને સરકારી અને મેડિકલ બેદરકારીની જેમ જોવા જોઈએ. કેસ આજે જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ, વિક્રમ નાથ અને હિમા કોહલીની બેચમાં આવ્યો હતો. જજોએ દરેક મૃત્યુને મેડિકલ બેદરકારી માનવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, આ એક ખોટી ધારણા હશે. કોર્ટે અરજીકર્તાને કહ્યુ કે, જો ભવિષ્ય માટે તેને લઈને કોઈ સૂચન છે તો તે સરકારને સોંપી શકે છે.

Previous articleક્રિકેટર શિખર ધવન અને આયાશા મુખર્જીના ૯ વર્ષના દાંપત્ય જીવન બાદ છુટાછેડા
Next articleછેલ્લા ૨૪ કલાકમાં ૩૭ હજાર લોકો કોરોના પોઝિટીવ