વલ્લભીપુર શાખા નર્મદા નહેર નીચે આવતી ધોલેરા તાલુકાના આંબળી ગામની નર્મદા પાઈપલાઈન (ખેતર સુધીની) ડિસ્ટ્રીબ્યુટર્સ પાઈપલાઈન એચ.આઈ.આર. ધોલેરાના એક્ટીવેશન ઝોનના બહાના હેઠળ બંધ કરવામાં આવેલ છે. જે કામ તાત્કાલિક ચાલુ કરવું જોઈએ તેવી માંગ સાથે ધોલેરાસરના રર ગામના ભાલ બચાવો સમિતિના સભ્યો આજે ધંધુકા નર્મદા નિગમની કચેરી સમક્ષ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ પણ જોડાયા હતા તેઓ પણ આંબળી ગામના ખેડૂત છે.
દરમ્યાન કાર્યપાલક ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નં.૧/૩ લીંબડી દ્વારા ભાલ બચાવો સમિતિ ધોલેરાને લેખીત જાણ કરવામાં આવી હતી કે, ડી-સર ઓથોરીટીને માઈનોરનું કામ હાથ ઉપર લેવા જરૂરી મંજુરી માંગવા રજૂઆત કરી છે અને જરૂરી મંજુરી મળ્યેથી કામ હાથ ઉપર લેવામાં આવશે. આંબળી ગામની માઈનોરનું પ્લાનીંગ તૈયાર છે. મંજુરી મળેથી કામ ચાલુ કરવામાં આવશે તેવી લેખીત બાહેંધરી કાર્યપાલક ઈજનેર દ્વારા આપવામાં આવતા હાલ પુરતું ભાલ બચાવો સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું.