એનડીએમાં મહિલાઓને સ્થાયી કમિશન આપવા નિર્ણય

132

કોર્ટે કેન્દ્રને એકેડમીમાં મહિલા કેડેટ્‌સના દાખલાની પ્રક્રિયા અંગે વિસ્તૃત જવાબ દાખલ કરવા ૨ સપ્તાહનો સમય આપ્યો
નવી દિલ્હી,તા.૮
રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી એટલે કે એનડીએ અને નેવલ એકેડમીમાં મહિલા કેડેટ્‌સના પ્રવેશનો રસ્તો સાફ કરવા માટે સરકાર નીતિ અને પ્રક્રિયા નક્કી કરી રહી છે. સરકારે એ નિર્ણય તો કરી લીધો છે કે, મહિલા કેડેટ્‌સને આ બંને સંસ્થાઓમાં પ્રવેશ મળશે પરંતુ કઈ પ્રક્રિયા અંતર્ગત તેને અંતિમ સ્વરૂપ આપવું તેને લઈ બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી એએસજી ઐશ્વર્યા ભાટીએ ઉત્સાહિત અંદાજમાં કોર્ટને જણાવ્યું કે, મારા પાસે એક ખુશખબર છે કે, સંરક્ષણ સેનાઓના પ્રમુખો અને સરકાર વચ્ચેની બેઠકમાં એ નક્કી કરી લેવામાં આવ્યું છે કે, હવે મહિલાઓને એનડીએ અને નેવલ એકેડમીમાં પ્રશિક્ષણ બાદ સ્થાયી કમિશન અધિકારીઓ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ટૂંક સમયમાં જ પ્રક્રિયાઓને નિર્ણાયક સ્વરૂપ પણ આપવામાં આવશે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમએમ સુંદ્રેશની પીઠે જણાવ્યું કે, આ બહું સારૂં થયું કે, સરકાર અને સંરક્ષણ પ્રમુખોએ પોતાની રીતે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે કેન્દ્ર સરકારને એનડીએ અને નેવલ એકેડમીમાં મહિલા કેડેટ્‌સના દાખલાની પ્રક્રિયા અંગે વિસ્તૃત જવાબ દાખલ કરવા માટે ૨ સપ્તાહનો સમય આપ્યો છે. સાથે જ એએસજી ઐશ્વર્યા ભાટીએ એ વાતની શુભેચ્છા આપી કે, તેમણે લૈંગિક વિભેદ દૂર કરવાના ઉદ્દેશ્યથી આ મામલે મોરચો સંભાળી રાખ્યો. કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે ૨૨ સપ્ટેમ્બરનો દિવસ નિર્ધારિત કર્યો છે. સેનામાં સ્થાયી કમિશન મળવામાં મોડું થઈ રહ્યું હોવાને લઈ મહિલા ઓફિસર્સે ગત મહિને સરકારને કાયદાકીય નોટિસ પાઠવી હતી. જે ૭૨ મહિલાઓને સેનામાં સ્થાયી કમિશન આપવા માટે યોગ્ય ઠેરવવામાં આવ્યા હતા તેમણે સંરક્ષણ મંત્રાલયને આ નોટિસ મોકલી હતી. મહિલા ઓફિસર્સના કહેવા પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ઓર્ડરમાં સ્થાયી કમિશન આપવાની વાત થઈ ચુકી છે.

Previous articleકેરળ-મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં ગોવામાં એલર્ટ
Next article૧૦૦થી વધુ સ્કાય સ્ટ્રાઈકર લેવા સેનાનો ઈઝરાયલ સાથે કરાર