આનંદો..ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફલો

150

અમરેલી પંથકમાં થયેલા ભારે વરસાદનાં કારણે આવેલા ધસમસતા પાણીથી મોડી રાત્રે ૨-૩૦ કલાકે શેત્રુંજી ડેમ ઓવરફલો થયો ૧૫૩૪૦ ક્યુસેક પાણીની આવક શરૂ રહેતા ડેમનાં તમામ ૫૯ દરવાજા બે ફુટ ખોલાયા નિચાણવાળા ૧૭ ગામોને એલર્ટ કરાયા
ભાવનગરના જીવાદોરી સમાન પાલીતાણાનો શેત્રુંજી ડેમ મોડીરાત્રે ઓવરફલો થઈ જતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. અમરેલી પંથકમાં થયેલા ભારે વરસાદના કારણે આવેલા ધસમસતા પાણીના કારણે રાત્રીના ૨-૩૦ કલાકે શેત્રુંડી ડેમ ૩૪ ફુટની સપાટી વટાવી જઈ ઓવરફલો થતા અને ૧૫૩૪૦ ક્યુસેક પાણીની આવક સતત શરૂ રહેતા રાત્રીના શેત્રુંજી ડેમના તમામ ૫૯ દરવાજા બે ફુટ ખોલી નાખવામાં આવ્યા હતા. અને નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. શેત્રંંજીડેમ ઓવરફલો થવાથી આગામી વર્ષ માટે પીવાના પાણી તથા સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન હલ થવા પામ્યો છે.

સતત બીજા વર્ષે પાલીતાણાનો શેત્રુંજી ડેમ મોડીરાત્રીના ઓવરફલો થવા પામ્યો હતો. હવામાન ખાતા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીના પગલે સર્વત્ર ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત અમરેલી અને બોટાદ પંથક સહિત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે અમરેલી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક થવા પામી હતી. અને એકથી સવા ફુટ જેટલો ખાલી રહેલો ડેમ રાત્રીના ૨-૩૦ કલાકે છલકાઈ જવા પામ્યો હતો છતા ૧૫ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક શરૂ રહેતા રાત્રીના સમયે ડેમના તમામ ૫૯ દરવાજા બે ફુટ ખોલી નાખવામાં આવ્યા હતા. અને નિચાણવાળા ગામો ગઢાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર, નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા સહિત ૧૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ભાવનગર શહેર ઉપરાંત પાલીતાણા અને ગારીયાધાર પંથકનો પાણીનો પ્રશ્ન હલ થવા પામ્યો છે. જ્યારે પાલીતાણા, તળાજા, મહુવા અને ભાવનગરને સિંચાઈનું પાણી પણ આપવામાં આવશે આથી સિંચાઈનો પ્રશ્ન પણ હલ થવા પામ્યો છે. શેત્રુંજી ડેમ ઓવરફલો થતા તેનો નજારો નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા.

Previous articleઘઉંના ટેકાના ભાવમાં ૪૦ અને જવની સ્જીઁમાં ૩૫નો વધારો
Next articleવલ્લભીપુર તાલુકાની એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં સવારથી મતદાનનો પ્રારંભ