કોરોનાના ભરડાં છતાં મેચ રમાવાની આશા હતી : મેચમાં વિજેતા જાહેર કરવા ઈંગ્લેન્ડની ચાર નિષ્ફળ : આ ટેસ્ટ મેચ ૨૪ કલાક મોડી ઠેલાત તો યુએઈમાં શરુ થનાર આઈપીએલ પર પડે એમ હતી
મુંબઈ, તા.૧૦
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચને હાલ રદ્ કરવામાં આવી છે. મેચ પહેલા જ કોચ રવિ શાસ્ત્રીને કોરોના થયો હતો. જોકે, ટીમના તમામ ખેલાડીનો ટેસ્ટ નેગેટિવ આવતા મેચ રમાય તેવી શક્યતા હતી. પરંતુ ઈંગ્લેન્ડ આ મેચને રદ્ કરવાનો મત ધરાવતું હતું. જોકે, આ અંગે બીસીસીઆઈની સત્તાવાર જાહેરાત બાકી છે. એટલું જ નહીં, ટેસ્ટ સીરિઝના પરિણામ પરથી પણ હાલ પડદો નથી ઉંચકાયો. આ મેચનું આયોજન આવતા વર્ષે પણ થાય તો પણ નવાઈ નહીં. બીસીસીઆઈએ ખેલાડીઓ સાથે મેચ રદ કરવી કે કેમ તે મામલે મસલત કરી હતી. જેમાં ટેસ્ટને રદ્ કરવાને બદલે મોડી રમવામાં આવે તેવું સૂચન થયું હતું. જેથી બીસીસીઆઈ ટેસ્ટ મોડી શરુ કરવા પર સહમત થયું હતું. જોકે, આ મેચને આખરે રદ્ કરવાનો નિર્ણય કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, જો આ ટેસ્ટ મેચ ૨૪ કલાક મોડી ઠેલાય તો પણ તેની સીધી અસર યુએઈમાં શરુ થનારી આઈપીએલ પર પડી શકે છે. ફ્રેન્ચાઈઝી છેલ્લા ત્રણ સપ્તાહથી યુએઈમાં છે. પાંચમી ટેસ્ટ રમીને ખેલાડીઓ જેવા દુબઈ પહોંચે કે તરત જ તેઓ બાયો બબલમાં રહી શકે તેની તમામ તૈયારી પણ કરી દેવાઈ છે. એટલું જ નહીં, આઈપીએલના બ્રોડકાસ્ટ પ્લાન, ફાઈનાન્સ અને કોમર્શિયલ સ્ટ્રેટેજી પણ તૈયાર છે. તેની સાથે સંકળયેલા લોકોનું માનીએ તો હવે તેના શિડ્યૂલમાં કોઈ ફેરફાર કરવો શક્ય નથી. આઈપીએલને પણ મોડી યોજી શકાય તેમ નથી, કારણકે તેના તુરંત બાદ આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ શરુ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે જો પાંચમી ટેસ્ટને એક દિવસ માટે પણ પાછી ઠેલવામાં આવી તો તેની અસર ઘણી મોટી થાય તેવી શક્યતા હતી. બીજી તરફ, ટીમના ખેલાડીઓ પોતાની આસપાસ ૪૮ કલાકમાં કેટલાક કોરોનાના કેસ આવ્યા હોવાનું જાણતા હોવાથી તેઓ કોઈ જોખમ લેવા તૈયાર નહોતા. તેવામાં ખેલાડીઓ અને તેમના પરિવારજનોની સલામતીને ધ્યાનમાં રાખતા આખરે આ ટેસ્ટને પડતી મૂકવામાં આવી છે. આ બાબતો સાથે સંકળાયેલા લોકોનું પણ કહેવું છે કે ખેલાડીઓના સ્વાસ્થ્યની સલામતી સાથે કોઈ ચેડા ના થઈ શકે. વળી, આ ટ્રીપમાં તેઓ પોતાના પરિવાર સાથે આવ્યા છે. તેવામાં જો ટેસ્ટ પોસ્ટપોન ના થઈ શકતી હોય તો તેને કેન્સલ કરી દેવી જોઈએ. એટલું જ નહીં, કોરોનાના સંસર્ગમાં આવ્યા બાદ તેની અસર બે દિવસથી એક મહિના પછીના ગાળામાં દેખાતી હોવાને કારણે પણ ખેલાડીઓને ચિંતા સતાવી રહી હતી.