શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં યજમાન પદે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ દ્વારા સ્વ. નીલાબેન સોનાણીને શ્રદ્ધા સુમન અર્પણ કરવા તેમના જીવનકવન પર લખાયેલું ‘લાગણીનો દસ્તાવેજ’ તેમજ શ્રી લાભુભાઈ સોનાણી દ્વારા લખાયેલ ‘અનુભવનો ઉજાસ’ અને ‘જીવનનો ધબકાર મારી સ્મરણયાત્રા યાત્રા’નો નારન બારૈયા દ્વારા કરાયેલ અંગ્રેજી અનુવાદ ‘બીટ્સ ઓફ લાઈફ’ ભાવનગર સ્ટેટ રાજવી પરિવારના યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલનાં અધ્યક્ષ સ્થાને, અંધજન મંડળ અમદાવાદનાં પૂર્વ પ્રિન્સિપાલ શ્રી જસુભાઈ કવિનાં વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર શ્રી હરીશભાઈ મહુવાકરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ‘લાગણીનો દસ્તાવેજ’ પુસ્તકનો પરિચય શ્રી નિષ્ઠા સોનાણીએ આપ્યો હતો. જયારે ‘અનુભવનો ઉજાસ’ પુસ્તકનો ચિતાર શ્રી ઘનશ્યામભાઈ બારૈયાએ રજુ કર્યો હતો. આ પ્રસંગે ‘બીટ્સ ઓફ લાઈફ’ પુસ્તકનો રસાસ્વાદ પત્રકાર શ્રી નારનભાઈ બારૈયાએ કરાવ્યો હતો. મુખ્ય મહેમાન શ્રી જસુભાઈ કવીએ પ્રેરક કાવ્ય કૃતિ દ્વારા હ્રદયની ખુશીનો સંવાદ રચ્યો હતો. પુસ્તકનાં લેખક શ્રી લાભુભાઈ સોનાણીએ પોતાની લેખનયાત્રા વિષે જણાવતા કહ્યું હતું કે મારું કાર્ય ચંદ્રનાં ઉછીતા પ્રકાશ જેવું છે સાચા કર્મનિષ્ઠ આપ સૌ છો, આપનું પ્રતિબિંબ મારો ઉજાસ છે. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ભાવનગર સ્ટેટ રાજવી પરિવારનાં યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલે સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવતા લાભુભાઈના વ્યક્તિત્વની ઓળખને વક્તાઓએ જે શબ્દોમાં મૂકી હતી તેમાં સુર પુરાવી ઉમેર્યું હતું કે કર્મનિષ્ઠ કાર્યકરોની ટીમને જોતા સંસ્થાની કીર્તિ સમગ્ર દેશનાં ખૂણેખૂણે ફેલાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતી. જ્યારે ભાવનગરનાં મેયરશ્રી કીર્તિબેન દાણીધરિયાએ કાર્યક્રમમાં પ્રેરક ઉદબોધન આપી સંસ્થાની પ્રવૃતિઓમાં સહભાગી બનવાની ખુશી વ્યક્તિ કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં પુસ્તક વિમોચન સમિતિનાં ચેરમેન શ્રી કિર્તીભાઈ શાહે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું જ્યારે આભારવિધિ શ્રી તારકભાઈ લુહારે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પુસ્તક પ્રકાશન અને વિમોચન સમિતએ ભારે જહેમત ઉઠાવી હતી.