સારા અલી ખાનના ઘરે બાપ્પાની પધરામણી થઈ

146

મુંબઈ,તા.૧૧
દેશભરમાં હર્ષોલ્લાસથી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગણેશ ચતુર્થી પર બોલિવુડના વિવિધ સેલિબ્રિટીઝના ઘરે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટી, કરીના કપૂર ખાન, સોનુ સૂદ, અર્પિતા ખાન શર્મા, શ્રેયસ તલપડે, અર્જુન બિજલાની, દિવ્યાંકા ત્રિપાઠી, ગોવિંદા, સોનાલી બેન્દ્રે, અનન્યા પાંડે વગેરે જેવા સેલિબ્રિટીઝના ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે બોલિવુડની યંગ એક્ટ્રેસ સારા અલી ખાનના ઘરે પણ ગણપતિજી બિરાજ્યા છે. સારા અલી ખાને સોશિયલ મીડિયા પર પોતાના ઘરે થયેલી ગણપતિજીની સ્થાપનાની ઝલક બતાવી છે. સારાના ઘરે ગણેશજીની સુંદર મૂર્તિ લાવવામાં આવી છે. ગણપતિ બાપ્પાના માથે શોભતો મુગટ પણ ખૂબ આકર્ષક હતો. ગણેશજીની સ્થાપના ફૂલોથી ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું. સારાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે અને તેની મમ્મી અમૃતા સિંહ બાપ્પાને પગે લાગતાં જોવા મળે છે. ગણેશજીનું આગમન નિમિત્તે સારાએ ઓફ વ્હાઈટ રંગનો ડ્રેસ પહેર્યો હતો જ્યારે અમૃતા રોયલ બ્લૂ રંગના ડ્રેસમાં હતી. તસવીરો શેર કરતાં સારાએ લખ્યું, “ગણપતિ બાપ્પા મોર્યા. આ સિવાય સારાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ગણેશજીની આરતીનો વિડીયો શેર કર્યો હતો. વિડીયોમાં અમૃતા સિંહ ભાવપૂર્વક ગણેશજીની આરતી ઉતારતાં જોવા મળે છે. સારા અલી ખાન દર વર્ષે પોતાના ઘરે બાપ્પાની પધારમણી કરાવે છે. ત્યારે આ વર્ષે પણ ક્રમ તૂટ્યો નથી. સારા અલી ખાન દરેક ધર્મમાં આસ્થા રાખે છે. અવારનાર તે વિવિધ મંદિરો, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચમાં જોવા મળે છે. પોતાની મમ્મી કે બહેનપણી સાથે સારા ધાર્મિક સ્થળોની મુલાકાત લેતી રહે છે. થોડા દિવસ પહેલા જ સારા એક્ટ્રેસ રાધિકા મદાન સાથે લદ્દાખ ગઈ હતી. અહીં તેણે બૌદ્ધ મઠમાં બેસીને ધ્યાન ધર્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો, સારા અલી ખાન હવે ફિલ્મ ’અતરંગી રે’માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા સાથે અક્ષય કુમાર અને ધનુષ છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ. એલ. રાયે કર્યું છે. ફિલ્મમાં બે જુદા જુદા સમયકાળની પ્રેમકહાનીઓ બતાવામાં આવશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે તેવી ચર્ચા છે. આ સિવાય સારા અલી ખાન વિકી કૌશલ સાથે ’ઈમમોર્ટલ અશ્વત્થામા’માં કામ કરવાની હતી. પરંતુ બજેટની સમસ્યાને કારણે હાલ તો ફિલ્મ ડબ્બા બંધ થઈ છે.

Previous articleયુવક મહોત્સવમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાની વિદ્યાર્થિનીઓ ઝળકી
Next articleબોર્ડે સ્પિનર કૃણાલ પંડ્યા પર વિશ્વાસ ન મુક્યો