નવી દિલ્હી,તા.૧૧
જ્યારે ૮ સપ્ટેમ્બરના રોજ આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે હાર્દિક પંડ્યાનું નામ જોઈને કોઈને આશ્ચર્ય થયું ન હતું, પરંતુ તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યાને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. કૃણાલ પંડ્યા તેના નાના ભાઈ હાર્દિક પંડ્યા સાથે ૫ વખત આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રમે છે.
બંને ટોચના સ્તરના ઓલરાઉન્ડર છે, પરંતુ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ અંગે બીસીસીઆઈને કૃણાલ પર વિશ્વાસ નહોતો. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માટે ટીમ ઇન્ડિયાની ૧૫ સભ્યોની ટીમમાં સ્પિનર તરીકે રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રાહુલ ચહર અને વરુણ ચક્રવર્તી પર દાવ રમવામાં આવ્યો છે. કૃણાલ પંડ્યાએ અત્યાર સુધીમાં ૧૯ ટી ૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે ૩૬.૯૩ ની સરેરાશ અને ૮.૧૦ ના ઇકોનોમી રેટ સાથે ૧૫ વિકેટ લીધી છે, જે દરમિયાન ૪/૩૬ તેની બેસ્ટ બોલિંગ ફિગર હતી. બેટિંગની વાત કરીએ તો કૃણાલે ૨૪.૮૦ ની સરેરાશ અને ૧૩૦.૫૨ ના સ્ટ્રાઇક રેટ સાથે કુલ ૧૨૬ રન બનાવ્યા છે.