વિજય રૂપાણીના રાજીનામાથી સમગ્ર દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. ગુજરાત હંમેશા દેશની રાજનીતિના કેન્દ્રમાં રહ્યુ છે. જ્યારે જ્યારે ગુજરાતમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થાય છે, તેની અસર કેન્દ્રીય રાજનીતિ પર પણ જોવા મળતી હોય છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે વિજય રૂપાણીના રાજીનામા અંગે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યુ કે, ગુજરાતના તમામ વર્ગના લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે. ભાજપ સરકારમાં ગુજરાતીઓ હાડમારીનો સામનો કરી રહ્યા છે. નિષ્ફળતા છુપાવવા રિમોટ કંટ્રોલથી ચાલતા રૂપાણીનું રાજીનામું લેવાયું છે. આનંદીબેન બાદ રૂપાણીને પણ તેમનો કાર્યકાળ પૂર્ણ કરવા ના દેવાયો. આંતરિક વિખવાદનો ભોગ વિજયભાઈના રાજીનામાંથી લેવાયો છે. ફોટો સરકારની તમામ નિષ્ફળતા છુપાવવા વિજયભાઈનું રાજીનામું લેવાયુ છે. પાંચ વર્ષની ઉજવણી સમયે જ નક્કી હતું કે વાજતે ગાજતે વિદાય થઇ રહી છે. તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ સંદર્ભે કહ્યું કે, વિજયભાઈ જેવા સરળ માણસને અધવચ્ચે રાજીનામુ અપાવ્યું એનું દુઃખ છે.
મોંઘવારી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જવાબદાર છે. ભાજપની નિષ્ફળતાનો એકરાર આંતરિક તકરારથી છતો થાય છે. નિષ્ફળતા છુપાવવા રાજીનામુ અપાયું છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં ભયથી સત્તા ટકાવી છે. ભવિષ્યમાં જાતિવાદ અને કોમવાદ પર સત્તા આવશે તેનો ભય છે. ભાજપ શાસકો સંવેદનહીન બન્યા હતા. કોરોનામાં લોકો મોતના મોમાં ધકેલાયા છે. ભાજપ હવે પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા ચહેરો બદલશે.