ઘોઘા ગામે અવારનવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થાય છે. તાજેતરમાં એક વિસ્તારમાં લાઈન તુટતા મોટી માત્રામાં પાણી ગામની શેરીઓમાં ફરી વળ્યા હતા.
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ગ્રામ પંચાયત દ્વારા પીવાનું પાણી ભુગર્ભ લાઈન દ્વારા પુરૂ પાડવામાં આવે છે. લોકોને પાણી પુરૂ પાડતી આ લાઈન વર્ષો જુની અર્થે જર્જરીત હાલતમાં હોય જેના કારણે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ કાયમ માટે બની રહે છે. લોકોને કાયમ માટે પાણી વેચાતું લેવું પડે છે. તાજેતરમાં ઘોઘા ગામે આવેલ સોનીવાડા-વરકુવા વિસ્તાર વચ્ચે આવેલ પાણીની મુખ્ય લાઈન તુટતા ભરઉનાળે જાહેર માર્ગ તથા શેરીમાં પાણી ફરી વળ્યા હતા. આ અંગે જાગૃત ગ્રામજનો દ્વારા સરપંચ સહિતના હોદ્દેદારોને રજૂઆત કરતા તેમણે હંમેશ મુજબ આ ગંભીર ફરિયાદ સાંભળી નો સાંભળી કરી હતી. જેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે તંત્ર તત્કાલ પગલા લે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
પ્રશ્નનો ઉકેલ આવતા સમય લાગશે..! : સરપંચ
ઘોઘા ગામે સમગ્ર વિસ્તારમાં સ્ટેન્ડ લાઈન જ નાખવામાં આવેલી છે. જેના કારણે ભારે પ્રેશરના કારણે વારંવાર લાઈનો ડેમેજ થાય છે. હાઉસ લાઈન-કનેક્શનો ન આપવાના કારણે આ સમસ્યા વારંવાર સર્જાય છે. આથી નવી લાઈન નખાયા બાદ સમસ્યાનું સમાધાન થશે.
– અન્સારભાઈ રાઠોડ, સરપંચ, ઘોઘા