સમગ્ર ભાવનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરથી બચવા સતત રસીકરણ પર ભાર મૂકીને દિન પ્રતિદિન વધુમાં વધુ રસીકરણ થાય તે માટે વહીવટી તંત્રના માર્ગદર્શન અને આરોગ્ય તંત્રની સતત કાબેલેદાદ કામગીરી કરવામાં આવી રહી છે. સિહોર તાલુકાના પીપળીયા ગામના દેવીપૂજક વિસ્તારના ૦૦ વર્ષનાં ગંગાબેન મોતીભાઈ વાઘેલાએ કોરોનાની રસી લઇને અન્ય લોકો માટે પ્રેરણારૂપ અને રોલ મોડલ બન્યાં છે.દેવીપૂજક વાસમાં ૧૦૦ વર્ષનાં માડી ગંગાબેન મોતીભાઈ વાઘેલાએ સૌપ્રથમ રસી લીધી અને તેમની સમજાવટથી ત્યારબાદ સમગ્ર દેવીપૂજક વાસમાં ૧૦૦% કોવિડ રસીકરણ થયું હતું. ગંગાબેન કહે છે કે, આપણે જો કોરોનાની ત્રીજી લહેરથી બચવું છે તો કોરોનાની રસી લઇ લેવી જ જોઇએ રાજ્ય સરકાર દ્વારા જ્યારે ઘર આંગણે આવીને રસી આપવામાં આવે છે ત્યારે દરેક વ્યક્તિએ તે લઈ લેવી જોઈએ. તેમણે કહ્યું કે,અત્યારે જે જીવનશૈલી છે તે પ્રમાણે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી ઓછી છે. અમારાં સમયમાં અમે શુદ્ધ ખોરાક લેતાં હતાં અને ખૂબ મજુરી કરતાં હતાં તેથી નાના-મોટા રોગની અમને અસર પણ થતી ન હતી,પરંતુ હવે સમય બદલાયો છે ત્યારે સમય સાથે કદમ મિલાવી હવે સૌએ રસી લેવી જોઈએ તેવી અપીલ તેમણે કરી હતી. સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, હસુમતીબેન ગોહિલની સીધી દેખરેખ હેઠળ તમામ મેડિકલ ઓફિસરો, આર.બી.એસ.કે. ટીમો, કોમ્યુનીટી હેલ્થ ઓફિસરો, આશાફેસી, આશાબહેનો, આરોગ્ય કર્મચારીઓ વિવિધલક્ષી આરોગ્ય કાર્યકરો, સ્ત્રી આરોગ્ય કાર્યકરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા, મઢડા, સોનગઢ, સણોસરા, મઢડા-અર્બનની ટીમ આ માટે સતત કામ કરી રહી છે.દરેક ગામો ૧૦૦% કવર થઇ જાય તે માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડના પીપળીયા ગામે ઉસરડની આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે મુલાકાત, માઇક દ્વારા જાહેરાત કરાઇ હતી. સિહોર તાલુકાના પીપળીયા ગામે રસીકરણ પૂર્ણ કરવાં ઝૂંબેશરૂપે રાત્રી રસીકરણ પણ હાથ ધરાયું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડની ટીમ દ્વારા સતત રાત-દિવસ મહેનત કરી વરસતાં વરસાદમાં પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘેર-ઘેર જવા ઉપરાંત તેઓની વાડીમાં જઇને કોણ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને સફળ બનાવવાં મેડિકલ ઓફિસર ડો.દર્શનભાઈ ઢેઢી, સુપરવાઈઝર રામદેવસિંહ ચુડાસમા, હંસાબેન ગોહિલ, આર.બી.એસ.કે. ડો.રૂપલબેન વૈષ્ણવ, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર જાગૃતિબેન પટેલ, આરોગ્ય કર્મચારી રસિકભાઈ ધાંધાલ્યા, આશાફેસી મીનાબેન આંચલ દ્વારા જહેમત ઉઠાવી સતત કામગીરી કરવામાં આવી રહી છે.