નવી દિલ્હી, તા.૧૨
તાલિબાનોએ નવી સરકારની રચના કરવાની સાથે અસલી ચહેરો બતાવવું શરૂ કરી દીધું છે. ક્રૂર તાલિબાનોએ એક અફઘાન સૈનિકનો માથું કાપતો ૩૦ સેકન્ડનો એક વીડિયો તેના ખાનગી ચેટ રૂમમાં શૅર કર્યો હતો. જોકે, આ વીડિયો ક્યાંનો અને કયા સમયનો છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ તાલિબાનો સત્તા પર આવતાં જ જૂની સરકારના અધિકારીઓ અને જવાનો સામે બદલાની નીતિથી કામ કરી શકે છે તેવી સંયુક્ત રાષ્ટ્રની આશંકા સાચી પડી રહી છે. તેનો વધુ એક બોલતો પુરાવો અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના ભાઈ રોહુલ્લાહ સાલેહની હત્યા છે. તાલિબાનોએ અમરુલ્લાહ સામે બદલો લેવા માટે તેમના ભાઈની હત્યા કરી દીધી. વધુમાં તાલિબાની શાસન શરૂ થતાં જ અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર કોરડા વિંઝવાનું શરૂ થઈ ગયું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ વીજળીક ઝડપે કાબુલ કબજે કર્યા પછી લગભગ એક મહિનાથી ભારતે ’થોભો અને રાહ જૂઓ’ની નીતિ અપનાવી હતી. જોકે, અંતે શનિવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને સમર્થનનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં વર્તમાન વચગાળાની સરકારને તેઓ એક વ્યવસ્થાથી વધારે કશું જ માનતા નથી. બીજીબાજુ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુટરેસે ભારપૂર્વક કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના વિજયથી દુનિયામાં અન્ય સ્થળો પર પણ આતંકી જૂથોને પ્રોત્સાહન મળશે. તેમણે વૈશ્વિક આતંકવાદ મુદ્દે પણ ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે, ભારત તાલિબાનની નવી સરકારને એક વ્યવસ્થાથી વધારે કશું જ માનતો નથી અને તેમાં પણ બધા વર્ગનો સમાવેશ કરાયો નથી, જે ચિંતાજનક બાબત છે. આ ઉપરાંત ભારતે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને લઘુમતીઓની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની જમીનનો દુનિયામાં અન્ય દેશોમાં આતંકવાદ માટે થવો ન જોઈએ. અમેરિકામાં ૯/૧૧ હુમલાની ૨૦મી વરસી છે. આ હુમલો યાદ અપાવે છે કે અમે આતંકવાદ વિરોધી લડાઈમાં કોઈપણ સમજૂતી નહીં કરીએ. વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર અમારી નજીક હોવાથી પણ અમે તાલિબાનોને સમર્થન આપી શકીએ નહીં. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુટરેસે પણ ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના વિજયથી દુનિયાના અન્ય ભાગોમાં અન્ય આતંકી જૂથોને પ્રોત્સાહન મળશે. આ સાથે તેમણે વૈશ્વિક આતંકવાદ વકરવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, તેમણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ’સમાવેશક ભૂમિકા’ અંગે યુએન કૃતનિશ્ચયી હોવાથી અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથેની ચર્ચાને આવશ્યક ગણાવી હતી. દરમિયાન અફઘાનિસ્તાનની વચગાળાની સરકારના શપથગ્રહણ સમારંભ મુદ્દે તાલિબાનોએ અમેરિકાના ઘા પર મીઠું ભભરાવવાનો વિચાર માંડી વાળ્યો છે. અગાઉ એવા અહેવાલો હતા કે અમેરિકા પર ૯/૧૧ના હુમલાની ૨૦મી વરસીના દિવસે જ તાલિબાનોની નવી ’આતંકી’ સરકારના મંત્રીઓ શપથગ્રહણ કરશે. જોકે, હવે તાલિબાનોએ સહયોગી દેશોના દબાણથી શપથગ્રહણ સમારંભ જ રદ કરી નાંખ્યો છે. તાલિબાનોએ નવી સરકારની રચના પહેલાં ચીન, તૂર્કી, પાકિસ્તાન, ઈરાન, કતાર અને ભારત, રશિયા જેવા પડોશી દેશો તેમજ અમેરિકાને પણ શપથગ્રહણ સમારંભમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. જોકે, મોટાભાગના દેશોએ તાલિબાનોની સરકારને માન્યતા આપવાની તેમને કોઈ ઉતાવળ નહીં હોવાની જાહેરાત કરી છે. વધુમાં રશિયાએ શપથગ્રહણ સમારંભમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો.