ઘોઘામાં અઢ્ઢી ઈંચ, સિહોર, ઉમરાળા અને વલ્લભીપુરમાં અડધાથી પોણો ઈંચ વરસાદ : શહેરમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા : સવારથી સતત વરસાદના પગલે બજારો ખાલી ખમ : અનેક વિસ્તારોમાં મકાન ધરાશાયી થયા
ભાવનગર શહેર અને જિલ્લામાં ભાદરવા મહિનાના પ્રારંભથી મેઘ મહેર શરૂ થઈ ગઈ હતી. અષાઢ અને શ્રાવણ માસમાં વરસાદની ખાસ્સી ઘટ રહ્યાં બાદ ભાદરવા માસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં આજે સોમવારે સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. ભાવનગર સહિત જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ઘોઘામાં ૧૦ મિ.મી, મહુવામાં ૪ મિ.મી, ભાવનગરમાં ૪૦ મિ.મી, વલ્લભીપુરમાં ૦૭ મિ.મી, સિહોરમાં ૫ મિ.મી વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં સવારે ૬ થી ૧૦ કલાકમાં ભાવનગરમાં ૩૩ મિ.મી, ઘોઘામાં ૨૩ મિ.મી, ઉમરાળામાં ૩ મિ.મી, વલ્લભીપુરમાં ૩ મિ.મી, સિહોરમાં ૩ મિ.મી વરસાદ વરસી ગયો હતો. ગત મોડીરાત્રી શરૂ થયેલા વરસાદ પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેમાં કુંભારવાડા, કરચલીયા પરા, પોપટનગર ઇન્દીરાનગર, સુભાષનગર, ઘોઘાસર્કલ, કળિયાબીડ સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા.
આ વર્ષે અષાઢ તથા શ્રાવણ માસ કોરા ધાકોડ વિતતા લોકોમાં ઘેરી નિરાશા સાથે દુષ્કાળનો ભય ફેલાયો હતો. પરંતુ ભાદરવા મહિનાના પ્રારંભ સાથે જ કુદરતની કપરી કસોટીનો જાણે અંત આવ્યો હોય તેમ છેલ્લા ૬ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. આ વરસાદી માહોલને પરિણામે ભાવનગર શહેરમાં શનિવારે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ગણતરીના કલાકોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઘોઘામાં પડ્યો હતો. ઘોઘામા સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં એકથી લઈને અઢી ઇંચ જેવો વરસાદ થતાં નદીઓમાં પુર આવ્યાં હતાં.
ભાદરવા માસે સામાન્યતઃ ખંડવૃષ્ટિ થતી હોય છે, પરંતુ આ વર્ષે ભાદરવા માસે અષાઢી મેઘ મંડાયા છે. ગાજવીજ સાથે શરૂ થતો વરસાદ અષાઢી માહોલ સર્જે છે. રવિવારે પણ વરસાદ કટકે કટકે શરૂ રહ્યો હતો. જિલ્લામાં જેસર તાલુકામાં રવિવારે સાંજ સુધીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. આ વરસાદ રાહતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. આજે સોમવારે પણ સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.