કારમાંથી સાયલન્સરોની ચોરી કરતી ગેંગ ઝડપાઇ : શહેરની ગોળબજાર પાસે દુકાનનું શટરનું તાળું તોડી નાસી છૂટેલા બે આરોપીઓને ઝડપી લીધા : શહેરના જકાતનાકા વિસ્તારમાં આવેલા બંધ મકાનમાંથી બે આરોપીઓ ઝડપાયા
ભાવનગર શહેરના ત્રણ પોલીસ સ્ટેશનના જુદા-જુદા ગુનાઓ શોધીમાં સફળતા મળી હતી. જેમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં કારના સાયલન્સરોની ચોરીની વ્યાપક ફરિયાદો નોંધાઇ હતી. જેમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી, જેમાં આ ગેંગના ૬ આરોપીઓ ઝડપાયા હતા. બીજો ગુનો ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં શહેરના ગોળબજાર પાસે ત્રણ દિવસ પહેલા કે.કે.બ્રધર્સનામની દુકાનમા તાળુ તોડી રોકડા રૂપિયાની ચોરી કરી બે શખ્સો પલાયન થઈ ગયા હતા. જેમાં બંને આરોપીઓને ઝડપી લીધા હતા. ત્રીજો ગુનો ભરતનગર પોલીસ સ્ટેશનમાં જકાતનાકા વિસ્તારના બંધ રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા તેમાં પણ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા. આમ ભાવનગર પોલીસને એક જ દિવસમાં ત્રણ ગુનામાં ૧૦ આરોપીઓ પાસેથી લાખોનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોટરકારના સાયલન્સરોની ચોરી થતી હોવાની ઘોઘારોડ પોલીસને જાણ થતાં પોલીસે આ બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી ચોરી કરનાર શખ્સ અને તેની સાથે પાંચ જેટલા છોકરાઓ સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે પુછપરછ કરતા ગાડીઓના સાયલન્સરોની ચોરી કર્યાની પણ કબુલાત ઝડપાયેલી ગેંગે આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના તીલકનગર, દેવીપુજકનગર, બહુચરાજીના મંદિર સામે રહેતા મહેન્દ્રભાઇ ધીરૂભાઇ મકવાણાએ પોતાની ફોર વ્હીલ ટેકસીનું ભાડુ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોય દરમિયાન તેણે તીલકનગર, સાઇબાબા સોસાયટી પાસે રાત્રીના પોતાની ગાડી પાર્ક કરી હતી. તે દરમિયાન ગાડીના સાયલેન્સરની અંદર આવેલ ફીલ્ટર જેવા પાર્ટની ચોરી કરી કોઇ નાસી છુટ્યા હોવાની ફરીયાદ ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી આવા સાયલેન્સરોની ચોરી કરનાર ગેંગને ઝડપી લીધા હતી.આ ગેંગમાં ખેડૂતવાસ, શ્રમજીવી સોસાયટી, પ્લોટનં. ૧૨૧માં રહેતો પાર્થ ઉર્ફે ભયલુ રમેશભાઇ ગોહેલ અને તેની સાથેના અન્ય પાંચ અજય ઉર્ફે અજુ કિશોરભાઇ સોલંકી, મેહુલ ઉર્ફે કાનો કિશોરભાઇ બાટીયા, પાર્થ ઉર્ફે પરેશ મુકેશભાઇ વેગડ, લાલજી ઉર્ફે ચીરાગ ઉર્ફે કલવો રમેશભાઇ ચુડાસમા અને જીગ્નેશ ઉર્ફે ચીકુ ભુપતભાઇ બારૈયાની રૂ.૨ લાખ ૩૮ હજાર ૩૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આ ગેંગે ૪૦ જેટલા મારૂતી ઇકોના સાયલેન્સરો ઉઠાવી જઇ ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ મોટા ભાગે ગેરેજ કામ તથા ડ્રાઇવીંગકામ તેમજ લોખંડનું મજુરીકામ કરતા હોય જેથી ફોરવ્હીલ ગાડીઓ ખોલવાનો સારો અનુભવ ધરાવતા હોવાથી રાત્રીના સમયે રોડ પર હોસ્પીટલના બહાને નીકળી રોડ પર કે ગલીના નાકે પડેલ મારૂતી સુઝુકી ઇક્કોના સાયલેન્સરો માત્ર ચાર મીનીટમાં કાઢી તેની જગ્યાએ જુનુ ખાલી ફીટ કરી દેતા હતા જેથી આજ દિવસ સુધી પકડાયેલ ન હતા. શહેરના ગોળબજાર પાસે ત્રણ દિવસ પહેલા કે.કે.બ્રધર્સનામની દુકાનમા રાત્રીના સમયે દુકાનની શટરનુ તાળુ તોડી દુકાનની અંદર ટેબલના ખાનામા રાખેલ રોકડ રૂપીયા ૫૫ હજાર ચોરી થઈ હતી જે અંગે ફરીયાદી પિન્ટુભાઈ માધવલાલ વલરાણી વેપારીએ ગંગાજળીયા પો.સ્ટેમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જેને લઈ ભાવનગર એલ.સી.બી તથા ગંગાજળીયા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગુનો આચરી નાસી છુટેલા રાકેશ ધ્રમેંન્દ્રભાઇ સાહિત્ય તથા સુરજ ઉર્ફે સમીર પ્રકાશભાઇ રાજાણી નામના બંને આરોપીઓ પાસેથી રોકડા રુપિયા ૫૪ હજાર ૨૦૦ તથા બાઇક કિં. રૂ. ૨૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. શહેરના ઘોઘાજકાત વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર પાસે રહેતા કનુભાઈ રામજીભાઇ ઘટાડના બંધ મકાનમાંથી ચોરી થયાની ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જે અંગે ભરતનગર પોલીસના સ્ટાફના માણસોને બાતમી મળેલી કે, ગધેડીયા ફીલ્ડમાં રહેતા ભાવેશ ઉર્ફે બાવ સવજીભાઇ સોલંકી અને અશોક ઉર્ફે ભુરો મંગાભાઇ ગોરાવા નામના બંને એ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેમાં તેઓની પાસેથી સોનાચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળીને કુલ કિ.રૂા. ૨ લાખ ૩૬ હજાર ૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓએ ૯ ગુનામાંઓ પણ કબૂલાત આપી હતી. બંધ રહેણાંક મકાનની દિવાલ પરથી અગાશી ઉપર જઇ દરવાજાનું પાટીયું તોડી મકાન અંદર પ્રવેશ કરનાર આરોપીઓ શરીરે પાતળા બાંધાના હોય તેઓ દ્રારા ચોરીઓ ને અંજામ આપતા હતા.