ટી-૨૦ વર્લ્ડકપ બાદ રોહિત શર્મા કેપ્ટન બની શકે છે

115

નવી દિલ્હી,તા.૧૩
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ટી-૨૦ વર્લ્‌ડ કપ બાદ ટી-૨૦ અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે. તેના બદલે રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. વિરાટ પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પગલું ભરી શકે છે. ૩૨ વર્ષીય કોહલી ટીમ ઈન્ડિયાના સફળ કેપ્ટનોમાંથી એક છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ વિરાટ કોહલીએ આ મુદ્દે રોહિત અને ટીમ મેનેજમેન્ટ સાથે લાંબી વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ટી-૨૦ વર્લ્‌ડ કપ ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં યોજાશે. અહેવાલ અનુસાર, વિરાટ કોહલી પિતા બન્યા બાદ બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવું કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ’વિરાટ આ અંગે પોતે જ જાહેરાત કરશે. તે માને છે કે તેણે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને વિશ્વના શ્રેષ્ઠ બેટ્‌સમેન બનવા માટે આમ કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્માએ તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને ૫ વખત આઈપીએલનો ખિતાબ અપાવ્યો છે. બીજી તરફ કોહલીએ અત્યાર સુધીમાં કેપ્ટન તરીકે એક પણ આઈસીસી ટ્રોફી જીતી નથી. આ સિવાય તે આઈપીએલનું ટાઇટલ પણ જીતી શક્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આગામી મહિનાથી યોજાનારા ટી-૨૦ વર્લ્‌ડ કપ માટે મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધોનીને ટીમના મેન્ટર બનાવવામાં આવ્યા છે. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ૨૦૧૭ ચેમ્પિયન્સ ટ્રોફી, ૨૦૧૯ વનડે વર્લ્‌ડ કપ અને ૨૦૨૧ વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉતરી હતી. પરંતુ એક પણ ટાઇટલ જીતી શકી નથી. ત્યારે ટીમને મદદ કરવા માટે ધોનીને ટીમમાં ઉમેરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ૮ વર્ષથી આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહી છે. ટીમે છેલ્લે ધોનીના નેતૃત્વમાં ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ટી-૨૦ વર્લ્‌ડ કપ, વનડે વર્લ્‌ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી એમ ત્રણેય ખિતાબ જીતી છે. એટલું જ નહીં, ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ પણ ૩ વખત આઈપીએલ જીતી છે. આગામી મહિને યોજાનારા ટી-૨૦ વર્લ્‌ડ કપ ઉપરાંત આગામી બે વર્ષ પણ વર્લ્‌ડ કપ યોજાશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્‌ડ કપ યોજાશે. જે બાદ ૨૦૨૩માં ભારતમાં વનડે વર્લ્‌ડ કપની મેચો યોજાશે. ત્યારે રોહિત શર્માને ટીમ સાથે સંપૂર્ણ રીતે તૈયાર થવાનો સમય મળશે. જેને લઈને ટૂંક સમયમાં રોહિતને કેપ્ટન બનાવવાના પ્રયાસો ચાલુ છે.

Previous articleઅભિનેત્રી અંકિતા લોખંડે ટૂંક જ સમયમાં લગ્ન કરશે
Next articleરાજ્યના ૧૭મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા