છેલ્લા ૨૪ કલાકમાં ૫૩૩૮૯૪૫ વેક્સિનના ડોઝ આપવાની સાથે જ દેશમાં કુલ ૭૪૩૮૩૭૬૪૩ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે
નવી દિલ્હી,તા.૧૩
ભારતમાં છેલ્લા થોડાક દિવસોમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૭ હજાર જેટલા નવા કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક પણ ૨૫૦થી નીચે નોંધાયો છે. કેરળમાં ૨૦ હજાર કેસ નોંધાવાના કારણે સંક્રમિતોનો આંક ૨૭ હજારે પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે અને એક દિવસમાં ૧૭ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૭,૨૫૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૧૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૨,૬૪,૧૭૫ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૭૪,૩૮,૩૭,૬૪૩ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૩,૩૮,૯૪૫ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૪ લાખ ૪૭ હજાર ૩૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૭,૬૮૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૭૪,૨૬૯ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૨,૮૭૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૪,૩૦,૧૪,૦૭૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૨,૦૮,૨૪૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૭ કેસ નોંધાયા છે. જેની સામે ૧૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યાર સુધીમાં ૫.૨૪ કરોડથી વઘુ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. ગુજરાતમાં રવિવારની સાંજે રાજ્યના ૩૦ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત ૩ જિલ્લા અને ૪ શહેરમાં નોંધાયા છે. આ પૈકી અમદાવાદ શહેરમાં ૨, સુરત શહેરમાં ૬ જિલ્લામાં ૨, ડાંગ અને નવસારીમાં ૨-૨ કેસ, વડોદરા શહરેમાં ૨અને અને રાજકોટ શહેરમાં ૧ કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ફક્ત ૧૬૫ એક્ટિવ કેસ છે આ પૈકીના ૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧૬૦ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી ૮,૧૫,૩૭૦ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રવિવારે ૪.૦૦ વાગ્યા સુધીમાં કુલ ૧,૭૪,૩૭૭ વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.