મામલાને ગંભીર ગણાવી સુપ્રીમ કોર્ટે આકરૂં વલણ અપનાવતા સરકારે આ મુદ્દે શું કર્યું એ જણાવવા નિર્દેશ
નવી દિલ્હી, તા.૧૩
સુપ્રીમ કોર્ટમાં સોમવારે પેગાસસ મામલે સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણીમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે તે આ મામલે સોગંધનામું દાખલ નહીં કરે. તેની પાછળનું કારણ જણાવતા કેન્દ્રએ કહ્યું હતું કે આવી બાબતમાં સોગંધનામું દાખલ કરી શકાય નહીં. પરંતુ તે જાસૂસીના આરોપોની તપાસ કરવા માટે પેનલની રચના કરવા માટે સંમત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્રકારો અને જાણીતા લોકોએ જાસૂસીની ફરિયાદ કરી છે અને આ ગંભીર મામલો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રમનાએ આકરૂ વલણ અપનાવ્યુ. તેમણે કહ્યુ કે કોર્ટ જાણવા ઈચ્છે છે કે આખરે સરકાર આ મુદ્દે શુ કરી રહી છે. જોકે અગાઉની સુનાવણીમાં કેન્દ્ર સરકારે સોગંદનામુ દાખલ કરવા માટે બે વખત સમય લીધો હતો પરંતુ હવે તેમને સ્પષ્ટ રીતે મનાઈ કરી દીધી છે. સુનાવણીના અંતમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખતા કહ્યુ કે પેગાસસ જાસૂસી કેસમાં એસઆટીની રચના થશે અથવા ન્યાયિક તપાસ થશે. આની પર નિર્ણય કરવામાં આવશે. આગામી બે-ત્રણ દિવસમાં આની પર નિર્ણય લેવાશે. કોર્ટે કહ્યુ કેન્દ્ર સરકારે એફિડેવિટ ફાઈલ કરવા પર ફરી વિચાર કરવો જોઈએ.પેગાસસ એક સ્પાયવેર છે. સ્પાયવેર, જાસૂસી અથવા સર્વેલન્સ માટે વપરાતું સોફ્ટવેર છે. એના દ્વારા ફોન હેક કરી શકાય છે. હેક થયા બાદ ફોનનો કેમેરો, માઇક, મેસેજ અને કોલ સહિતની તમામ માહિતી હેકર્સને પહોંચી જાય છે. સ્પાયવેર ઇઝરાયેલની કંપની એનએસઓ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. ખોજી પત્રકારોનું આંતરરાષ્ટ્રીય ગ્રૂપનો દાવો છે કે ઇઝરાયલી કંપની એનએસઓના જાસૂસી સૉફ્ટવેર પેગાસસ દ્વારા ૧૦ દેશોમાં ૫૦ હજાર લોકોની જાસૂસી કરવામાં આવી છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં ૩૦૦ નામ સામે આવ્યા છે, જેમના ફોનની જાસૂસી કરવામાં આવી. તેમાં સરકારમાં સામેલ મંત્રીઓ, વિપક્ષના નેતા, પત્રકાર, વકીલ, જજ, ઉદ્યોગપતિ, અધિકારીઓએ, વૈજ્ઞાનિક અને એક્ટિવિસ્ટ સામેલ છે. સાયબર સિક્યોરિટી રિસર્ચ ગ્રુપ સિટિઝન લેબના જણાવ્યા અનુસાર, હેકર્સ ડિવાઇસમાં પેગાસસ ઇન્સ્ટોલ કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એક રસ્તો એ છે કે ટાર્ગેટ ડિવાઈઝ પર મેસેજ દ્વારા એક્સપ્લોઈટ લિંક મોકલવામાં આવે છે. યુઝર આ લિંક પર ક્લિક કરે કે તરત જ પેગાસસ આપોઆપ ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. ૨૦૧૯માં વ્હોટ્સએપ મારફત ડિવાઈસીઝમાં પેગાસસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો ત્યારે હેકરોએ એક અલગ અભિગમ અપનાવ્યો હતો. ત્યારે હેકર્સે વ્હોટ્સએપના વીડિયો-કોલ ફીચરમાં બગનો ફાયદો ઉઠાવ્યો હતો. હેકર્સે નકલી વ્હોટ્સએપ એકાઉન્ટ દ્વારા ટાર્ગેટ ફોન પર વીડિયો-કોલ કર્યા હતા. આ દરમિયાન ફોનમાં પેગાસસ એક કોડ દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું.