સોમવારે સાંજે એક લાશ મળ્યાં બાદ સવારે બીજી લાશ મળી આવી : માહોલ ગમગીન બન્યો
સિહોર તાલુકાના થોરાળા ગામે આવેલ તળાવમાં વન્યપ્રાણી નું રેસ્ક્યુ કરવા હોડી સાથે ઉતરેલ જેમાં કોઈ આકસ્મિક કારણોસર હોડી પલ્ટી જતાં બે બીટગાર્ડ પાણીમાં ડૂબી ગયા હતા જેમાં ૩૬ કલાકની ભારે જહેમત બાદ બંને હતભાગીઓ ની લાશ શોધી કાઢવામાં સફળતા મળી હતી. તળાજા રાઉન્ડ ફોરેસ્ટ ના હદમાં આવતાં સિહોર તાલુકાના થોરાળા ગામે ફોરેસ્ટ એરિયાઓમા પેટ્રોલિંગ કરી રહેલ તળાજા ફોરેસ્ટ વિભાગના મગનભાઈ જગાભાઈ મકવાણા તથા મેરામણ દડુભાઈ વાઘોશી-આહીર ને કોલ મળ્યો હતો કે થોરાળા ગામના તળાવમાં કોઈ વન્ય પ્રાણી ફસાયું છે આથી બંને બીટગાર્ડે ગામનાં ભૂતપૂર્વ સરપંચ ને તેની બોટ સાથે બોલાવી તળાવમાં ઉતર્યા હતાં
જેમાં હોડી તળાવ મધ્યે પહોંચતા કોઈ કારણોસર આ હોડી પલ્ટી જતાં બંને બીટગાર્ડ સહિત ચાર વ્યક્તિ ઓ ડૂબવા લાગ્યાં હતાં એ દરમ્યાન હોડી માલિક તથા અન્ય એક શખ્સ તરીને તળાવના કાંઠે પહોંચી ગયા હતા પરંતુ મગન મકવાણા તથા મેરામણ વાઘોશી તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તંત્ર દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં સોમવારે મોડી સાંજે મગનભાઈ ની લાશ મળી હતી અને આજરોજ વહેલી સવારે મેરામણ વાઘોશી ની લાશ પણ તરવૈયા ઓએ શોધી કાઢતાં પોલીસે આ કર્મીની લાશનો કબ્જો લઈ પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાને પગલે વન વિભાગ તથા મૃતકના પરિજનોમા ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.