સગીર સાધિકા પર દુષ્કર્મના ચકચારભર્યા કેસમાં જોધપુર કોર્ટ દ્વારા આસારામને એકબાજુ જન્મટીપની જીવે ત્યાં સુધી જેલની સજા સંભળાવવામાં આવી હતી, બીજીબાજુ, આસારામના અનુયાયી અને પૂર્વ આઇપીએસ અધિકારી એવા ડી.જી.વણઝારા આજે મોટેરા આશ્રમ ખાતે મીડિયા સમક્ષ કેટલાક મુદ્દાઓને લઇ આસારામનો બચાવ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. વણઝારાએ જણાવ્યું હતું કે, કેસની સમગ્ર એફઆઇઆર જોવામાં આવે તો તેમાં કયાંય બાપુએ રેપ કર્યો હોવાનું લખ્યું નથી. વણઝારાએ આ સમગ્ર ઘટનાક્રમને હિન્દુઓના અપમાન સમાન ગણાવ્યું હતું. સગીરા પર દુષ્કર્મ કેસમાં આજે જોધપુર કોર્ટ દ્વારા સજાનું એલાન કરવામાં આવનાર હતું, ત્યારે વહેલી સવારથી જ શહેરના સાબરમતી વિસ્તારમાં મોટેરા સ્થિત આસારામ આશ્રમ ખાતે તેમના સાધકો, અનુયાયીઓ અને શ્રધ્ધાળુઓની ભારે ભીડ જમા થઇ હતી. આશ્રમમાં આસારામ નિર્દોષ છૂટે તે માટે અખંડ ધૂન અને ધાર્મિક પૂજાનું પણ આયોજન કરાયું હતું. જો કે, સવારે જ કોર્ટે આસારામ અને તેમના બે અનુયાયીઓને દોષિત જાહેર કરી દેતાં દેશભરમાં આસારામના અનુયાયીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બપોરે જોધપુર કોર્ટે સજાનો ચુકાદો સંભળાવતાં આસારામને આજીવન કેદની સજા ફટકારતાં ખળભળાટ મચી ગયો હતો. સજા સાંભળીને આસરામના આશ્રમો અને અનુયાયીઓમાં નિરાશા સાથે સન્નાટાનો માહોલ છવાયો હતો. બીજીબાજુ, આસારામને દોષિત જાહેર કરાતાં પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા મોટેરા આશ્રમ દોડી ગયા હતા. અહીં આવીને તેમણે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેસની સમગ્ર એફઆઇઆર જોવામાં આવે તો તેમાં કયાંય બાપુએ રેપ કર્યો હોવાનું લખ્યું નથી. જોધપુર કોર્ટના નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ. રેપ કેસમાં બાપુજીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતે હું કહેવા માંગું છું કે જોધપુરમાં જે એફઆઈઆર થઈ છે તે મારી પાસે છે, તેમાં ક્યાં નથી કહેવામાં આવ્યું કે રેપ થયો છે. પીડિતાએ પણ કોર્ટમાં ટ્રાયલ દરમિયાન રેપ થયો છે તેવું કહ્યું નથી. એફઆઈઆરમાં ફક્ત એવું લખવામાં આવ્યું છે કે મને ખરાબ ઈરાદાથી જોવામાં આવી છે. કોઈપણ કોર્ટનો નિર્ણય આખરી નથી હોતો, ઉપરની કોર્ટ પણ છે.
મારી દ્રષ્ટિએ આ કેસ બળાત્કારનો નથી. મારો અને આસારામ બાપુનો સંબંધ ગુરૂ અને શિષ્યનો છે. આ પ્રકારનો કેસ આસારામ બાપુને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે. જોધપુર કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં જઈશું. દરમ્યાન દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, દુષ્કર્મ કરનારા આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. દુષ્કર્મ કરનારા વ્યક્તિ ગમે તેટલી મોટી હોય કાયદો કાયદાનું કામ કરે છે. ભાજપ સરકાર બહેન દીકરીઓની આબરૂ બચાવવામાં નિષ્ફળ રહી છે.