૨૦મી સદીની ભૂલો ૨૧મી સદીમાં સુધારાઈ છે : મોદી

100

વડાપ્રધાને અલીગઢમાં યુનિ.નો શિલાન્યાસ કર્યો : યુપીમાં ગુંડા-માફિયાઓનું શાસન હતું હવે યોગીની સત્તામાં આવા તત્વો જેલના સળિયા પાછળ હોવાનો દાવો
નવી દિલ્હી, તા.૧૪
અલીગઢમાં પીએમ મોદીએ રાજા મહેન્દ્રપ્રતાપ સિંહના નામથી બનનારી યુનિવર્સિટીનો આજે શિલાન્યાસ કર્યો હતો. એ પછી પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ૨૦મી સદીમાં થયેલી ભૂલોને ૨૧મી સદીમાં સુધારવામાં આવી રહી છે. રાજા મહેન્દ્રપ્રતાપ સિંહ અને રાજા સુહેલદેવ જેવા નાયકોને ભુલાવી દેવામાં આવ્યા હતા. આજે નવી પેઢીને તેનાથી પરિચિત કરાવવામાં આવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, ૨૦૧૭ પહેલા ગરીબોની દરેક યોજનામાં રોડા નાંખવામાં આવતા હતા. એક એક યોજના લાગુ કરવા માટે ડઝન વખત પત્ર લખવા પડતા હતા. યુપીના લોકોને યાદ હશે કે પહેલા કેવા ગોટાળા થતા હતા. આજે યોગી સરકાર ઈમાનદારીથી વિકાસ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે ,એક સમય એવો હતો જ્યારે ગુંડાઓ, માફિયાઓ શાસન ચલાવતા હતા. આજે ગુંડાઓ અને માફિયાઓ જેલના સળિયા પાછળ છે. પશ્ચિમ યુપીના લોકોને યાદ દેવડાવવા માંગુ છે કે, અહીંના લોકોને ગુંડાઓના ડરથી પોતાની દીકરીઓને સ્કૂલ અને કોલેજ મોકલવામાં પણ ડર લાગતો હતો. લોકો પલાયન કરી રહ્યા હતા. આજે ગુનેગારો કોઈ પણ અપરાધ કરતા સો વખત વિચારે છે. તેમણે કહ્યુ હતુ કે, ડઝનબંધ ડિફેન્સ કંપનીઓ યુપીમાં ફેક્ટરીઓ લગાવવા માટે તૈયાર છે. યુપીમાં દુનિયાભરના રોકાણકારો રોકાણ કરવા આવી રહ્યા છે. યુપીમાં આ પ્રકારનો માહોલ રાજ્ય અને કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકારને આભારી છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, એક મુસ્લિમ વેપારી અમારા ગામમાં તાળા વેચવા માટે આવતા હતા અને જે પણ પૈસા તેઓ કમાતા હતા તે મારા પિતાને સાચવવા આપતા હતા. તેઓ જ્યારે યુપી પાછા જતા ત્યારે પૈસા લઈ જતા. યુપીના બે શહેરો અલીગઢ અને સીતાપુર મારા માટે પરિચિત હતા.લોકો પોતાની સુરક્ષા માટે અલીગઢના તાળાના ભરોસે રહેતા હતા. હવે અલીગઢમાં સ્થાપનારી ડીફેન્સ ઈન્ડસ્ટ્રીમાં બનનારા હથિયારો દેશની સરુક્ષા કરશે. તેમણે કહ્યુ હતુ કે, હું નસીબદાર છું કે મને રાજા મહેન્દ્રપ્રતાપસિંહના નામ પર બનનારી યુનિવર્સિટીનો શિલાયન્સ કરવાનો મોકો મળ્યો છે. અલીગઢ યુનિવર્સિટી માટે પણ રાજા મહેન્દ્રપ્રતાપ સિંહે જમીન આપી હતી.

Previous articleવિરાટ કોહલી પર શું હવે દબાણ વધશે? : ગૌતમ ગંભીર
Next article૨૪ કલાકમાં ૨૫,૪૦૪ લોકો સંક્રમિત, ૩૩૯નાં મોત