કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી ઘટાડો : ભારતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ઘટી, એક દિવસમાં ૭૮,૬૬,૯૫૦ લોકોને કોવિડની રસી અપાઈ
નવી દિલ્હી, તા.૧૪
ભારતમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ હજાર લોકો સંક્રમિત થયા છે અને ૩૩૯ દર્દીએ જીવ ગુમાવ્યા છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય કેરળમાં એક દિવસમાં ૧૫ હજાર લોકો સંક્રમિત થયા છે. સોમવારની તુલનામાં આ આંકડો પાંચ હજાર જેટલો ઓછો છે. મહારાષ્ટ્રમાં પણ એક દિવસમાં ૩ હજારથી ઓછા કેસ નોંધાયા છે. તો ગુજરાતની વાત કરીએ તો અહીં ૨૪ કલાકમાં ૧૨ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ માત્ર ૧૬૧ એક્ટિવ કેસ છે. મંગળવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૫,૪૦૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૩૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૨,૮૯,૫૭૯ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૭૫,૨૨,૩૮,૩૨૪ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮,૬૬,૯૫૦ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૪ લાખ ૮૪ હજાર ૧૫૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૭,૧૨૭ દર્દીઓ સાજા થયા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૬૦ ટકા છે. હાલમાં ૩,૬૨,૨૦૭ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૩,૨૧૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૪,૪૪,૪૪,૯૬૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૪,૩૦,૮૯૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨ કેસ નોંધાયા છે. જેની સામે ૧૬ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧,૪૯,૪૮૬ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૫,૨૫,૭૭,૬૩૪ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.