નીચાણવાળા વિસ્તારમાંથી લોકો સલામત સ્થળે ખસી જાય તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાં તંત્રનું માર્ગદર્શન કર્યું
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની જીવાદોરી સમાન પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફલો થતાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાએ શેત્રુંજી ડેમ સાઇટ અને તેના ડાઉન સ્રીરગમમાં આવતાં વિસ્તારોની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પાણીના સ્ત્રાવ વિસ્તારના ગામ લાપાળીયા ગામની મુલાકાત લઈ ગામના લોકો તથા એન.ડી.આર.એફ. ની ટીમ સાથે પુર સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેક્ટરે સ્થાનિક વહીવટીતંત્રને પૂરની પરિસ્થિતિમાં શું શું પગલાં લેવાં તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે કહ્યું કે, થોડા દિવસો પહેલાં ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના દરવાજા ખોલવાને કારણે નીચાણવાળા ભાગોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી લેવાને પગલે જાનહાનીને નિવારી શકાઇ છે.તેમણે કહ્યું કે, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે તેમજ તંત્ર દ્વારા આગોતરી જાણકારી અને સમયસૂચકતાને પગલે જિલ્લામાં ભારે વરસાદને કોઇ મોટું નુકશાન થયું નથી. રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને લઇને તંત્ર એલર્ટ છે. એન.ડી.આર.એફ.ની ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. જિલ્લાના તરવૈયાઓને પણ સાબદા રાખવામાં આવ્યાં છે વગેરે પગલાઓથી તેમણે ગામ લોકોને માહિતગાર કર્યા હતાં.