૬કુખ્યાત ધાડપાડુઓ પાસેથી લાખો નો મુદ્દામાલ કબ્જે અનેક લૂંટ તથા ચોરીના બનાવનો ભેદ ઉકેલાય તેવી સંભાવના : ગેંગ ચોક્કસ પેટર્નથી ચોરીને અંજામ આપતી હતી
ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ ની ટીમને જોરદાર સફળતા હાથ લાગી હતી રાજ્ય માં વિવિધ શહેરો-તાલુકાઓમાં ધાડ,લૂંટ અને હત્યા જેવાં ગંભીર ગુનાઓને અંજામ આપતી ગેંગના ૬ શખ્સોની તિક્ષ્ણ હથિયારો તથા વાહન અને લૂંટ તથા ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એક ચોક્કસ પેટર્નથી ચોરી, લુંટ અને ધાડને અંજામ આપતી ગેંગને ગારિયાધાર પોલીસે ઝડપી પાડી છે. લૂંટને અંજામ આપવા ભેગી થયેલી ગેંગને પોલીસે ત્રણ કલાક ઓપરેશન ચલાવી ઝડપી લીધાં છે.ગત ૧૦ તારીખે ગારિયાધાર પોલીસ મથકમાં ઈકો ગાડી ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ચિખલીગર ગેંગ સામેલ હોવાના ગારિયાધારના પીએસઆઈ ધ્રાંગુને ઈનપુટ્સ મળ્યા હતા અને આ ગેંગના સભ્યો ગારિયાધાર થી દામનગર જતાં રસ્તે નાની વાવડી પાસે ખાર વિસ્તારમાં લૂંટને અંજામ આપવા એકઠાં થયાંની બાતમી મળતા ગારિયાધાર પોલીસની એક ખાસ ટીમે આ વિસ્તારમાં જઈ અર્જુન રાહુલ બંજારા (રહે. ભાદરલાઉ, જી. આબુરોડ), ધરમસિંગ મંગલસિંગ બાવરી (રહે. ભેસાણ, જી. જુનાગઢ), જગજીત આચોલસિંગ દુધાળી (રહે. ક્રાંતિનગર, મહારાષ્ટ્ર), કરતાર ભારતસિંગ તેલપીથિયા (રહે. ખંભાત, જિ. આણંદ), અર્જુન બચ્ચનસિંગ ચીકલીગર (રહે. ગણેશનગર, સુરત) અને ગુરુસિંગ પોલાદસિંગ ચિખલીગર (રહે. શાહુનગર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી પુછપરછ કરતા તેમણે તેની સાથે રહેલી ઈકો ગાડી નં. જીજે-૦૩-સીઆર-૬૩૮૦ની કાલાવાડથી ચોરી કરી હતી અને તેને લઈને ગારિયાધારમાં ધાડ કરવાના ઈરાદે આવ્યા હતા. જ્યારે ગારિયાધારમાંથી ચોરી કરેલી ઈકો ગાડી નં. જીજે-૦૪-ડીએ-૦૯૯૧ વડે તેમણે જામનગરની સોનીની દુકાનમાંથી ચોરી કરી કાલાવાડ પાસે બિનવારસી મુકી દીધી હતી અને કાલાવાડથી ઉક્ત નવી ઈકો ગાડી ચોરી અહીં લૂંટને અંજામ આપવાના હતા.
પરંતુ પોલીસે તેને ઈકો ગાડી અને ચાંદીની વસ્તુઓ મળી કુલ રૂ. ૨,૦૬,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતા અને આ સાથે જ જામનગર, રાજકોટ, ગારિયાધાર અને અમરેલીના મળી કુલ ૭ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ આ આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરશે અને ૭ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.