કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવા અધિકારીઓને તાકિદ કરી
તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થયેલ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ થયેલ વરસાદના કારણે ઉદ્દભવેલ પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ નગરપાલિકા વિસ્તારની જાત મુલાકાત અને નિરીક્ષણ માટે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. કલેકટર તુષાર સુમેરાએ શહેરના વિસ્તારોમાં વરસાદના લીધે શહેરમાં રોડ- રસ્તા, લાઇટ, ગટરમાં પાણી ભરાઇ ન રહે તે માટે સફાઇ કામગીરીને અગત્યતા આપવા, દબાણો દૂર કરવા સહિત શહેરન નાગરિકોના નાના- મોટા પ્રશ્નોનું તાકિદે નિરાકરણ કરવા સબંધિત અધિકારીઓને તાકિદના ધોરણે કામગીરી હાથ ધરવા તાકિદ કરી હતી. કલેકટરે વરસાદથી શહેરી વિસ્તારમાં પાણીનો નિકાલ થઇ જાય અને શહેરીજનોને અગવડતા ન પડે તે માટે સબંધિત અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી. સાળંગપુર રોડ પર આવેલ અન્ડર બ્રીજમાં વરસાદના લીધે ભરાતા પાણીની સમસ્યા ન રહે અને લોકોને અવર- જવર માટે અગવડતા ન પડે તે માટે અધિકારીઓને પણ તાકિદ કરી હતી. તેમણે વરસાદને લીધે રોગચાળો ન ફેલાય અને લોકોનું આરોગ્ય ન બગડે તે માટે નગરપાલિકાના અધિકારીઓને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અંગેની કામગીરીમાં કોઇ કચાસ ન રાખવા પણ સુચના આપી હતી. ઉપરાંત આરોગ્ય તંત્રને પણ લોકોના આરોગ્ય બાબતે જરૂરી સુચનાઓ આપી હતી. કલેકટરે શહેરના ટાવર રોડ પર ચાલતા પુલના કામનું પણ નિરિક્ષણ કરી આ કામગીરી સમયમર્યાદામાં પુરી કરવા જણાવ્યું હતું.