મુંબઈ,તા.૧૫
એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ૧૧ વર્ષ પૂરા કરનારી નિયા શર્માએ આખરે પોતાને ગિફ્ટમાં ઘર આપ્યું છે. પોતાની કમાણીથી મુંબઈમાં આલિશાન ઘર ખરીદીને એક્ટ્રેસ ખુશ છે અને હાલમાં જ તેના નવા ઘરમાં હવન રાખવામાં આવ્યો હતો. પૂજા અને સેલિબ્રેશનની ઢગલો તસવીરો અને વીડિયો નિયા શર્માના મિત્રોએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિયા શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘરની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં દીવાલના કલરથી લઈને ફર્નિચર તેમજ પડદા સુધી બધુ સફેદ કલરમાં જોવા મળ્યું છે. ઘરની બાલ્કનીમાંથી બહારનો સુંદર નજારો પણ દેખાય છે. નિયા શર્માએ ઘર તો વ્હાઈટ થીમ પર તૈયાર કર્યું છે, સાથે હવન દરમિયાન તેણે કપડા પણ મેચિંગ પહેર્યા હતા. ઘરની તસવીરો શેર કરીને એક્ટ્રેસે લખ્યું છે ’નિયા નિવાસ. નિયા શર્માએ હવનમાં બેસતા પહેલા ઘરમાં કુંભ ઘડો મૂક્યો હતો. જેનો વીડિયો અર્જુન બિજલાનીની પત્ની નેહા સ્વામીએ શેર કર્યો છે. નિયા શર્માએ આ ખાસ દિવસની ઉજવણીમાં માત્ર નજીકના મિત્રોને જ સામેલ કર્યા હતા. નિયા શર્માએ આ ઘર આમ તો આ વર્ષના જાન્યુઆરી મહિનામાં જ ખરીદ્યું હતું અને બાદમાં ફર્નિચરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં નિયા શર્માએ ખાલી ઘરની કેટલીક તસવીરો શેર કરી હતી અને ફેન્સને ખુશ ખબર આપતા ખુશી વ્યક્ત કરી હતી. નિયા શર્મા ટેલિવુડની બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે, જે પોતાના આઉટફિટને લઈને હંમેશા ટ્રોલ થતી રહે છે. જો કે, એક્ટ્રેસ શાંતિથી બેસે તેવી નથી. તે દરેક ટ્રોર્લ્સને બરાબરનો જવાબ આપે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, નિયા શર્માએ સીરિયલ ’એક હજારો મેં મેરી બહેના હૈ’થી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. બાદમાં તેણે જમાઈ રાજા, જમાઈ રાજા ૨.૦, ઈશ્ક મેં મરજાવાં તેમજ નાગિન ૪માં કામ કર્યું હતું. આટલું જ નહીં તે મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે.