ટેલિકોમ સેક્ટરને મોટી રાહત ,AGR પર ૪ વર્ષનું મોરેટોરિયમ

116

મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ : ઓટો, ઓટો કમ્પોનન્ટ, ડ્રોન ઉદ્યોગ માટે પીએલઆઈ યોજના શરૂ કરવામાં આવી, આ ત્રણ ક્ષેત્રો માટે ૨૬,૦૫૮ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ
નવી દિલ્હી, તા.૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં બુધવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજ મંજૂર કર્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી કેબિનેટે ઓટો અને ઓટો કમ્પોનન્ટ સેક્ટર માટે પીએલઆઈ યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, દેશમાં ડ્રોન માટે પીએલઆઈ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારતના જીડીપીમાં ઓટો ક્ષેત્રનો હિસ્સો ૧૨ ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે, જે હાલમાં ૭.૧ ટકા છે. મોદી કેબિનેટે બુધવારે ઓટો સેક્ટર માટે ૨૬,૦૦૦ કરોડનું પેકેજ આપ્યું છે. મોદી સરકારને અપેક્ષા છે કે કેબિનેટનો આ નિર્ણય આગામી ત્રણ વર્ષમાં ડ્રોન ક્ષેત્રે ૫૦૦૦ કરોડનું રોકાણ લાવી શકે છે. મોદી સરકારમાં મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ઓટો ક્ષેત્ર માટે પીએલઆઈ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઓટો, ઓટો કમ્પોનન્ટ, ડ્રોન ઉદ્યોગ માટે પીએલઆઈ યોજના શરૂ કરવામાં આવી છે. મોદી સરકારે આ ત્રણ ક્ષેત્રો માટે ૨૬,૦૫૮ કરોડની જોગવાઈ કરી છે. તેનાથી ઓટોમોબાઈલ ક્ષેત્રને વેગ મળશે અને ૭.૬૦ લાખથી વધુ લોકોને રોજગારી મળશે. આ નિર્ણયથી ઓટો સેક્ટરમાં વિદેશી રોકાણ વધવાની પણ અપેક્ષા છે.
પીએલઆઈ યોજનાની જાહેરાત સાથે, મોદી સરકાર જીડીપીમાં ઓટો ક્ષેત્રનો હિસ્સો ૧૨ ટકા સુધી વધારવા માગે છે, જે હાલમાં ૭.૧ ટકા છે. એટલા માટે ભારતના ઓટો અને કમ્પોનન્ટ માર્કેટ માટે પીએલઆઈ સ્કીમ રજૂ કરવામાં આવી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે આ ભારતને વૈશ્વિક ખેલાડી બનાવવામાં મદદ કરશે. હાલમાં, લગભગ ૧૭ અબજ ડોલરના મૂલ્યના ઘટકો વિદેશથી આવે છે, સરકારનો ઉદ્દેશ તેને ભારતમાં જ બનાવવાનો છે. પીએલઆઈ યોજના આયાત ઘટાડવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે પીએલઆઈ યોજના હેઠળ પસંદ કરાયેલી કંપનીઓએ ૫ વર્ષ માટે રોકાણ કરવું પડશે. રોકાણની મર્યાદા બદલાઈ છે. આ પ્રોત્સાહન પાંચ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. ટેલિકોમ સેક્ટરમાં હવે ડિજિટલ ફોર્મેટમાં સિમ ખરીદનારા ગ્રાહકોની ચકાસણી થશે. હરાજી દર વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં થશે. પ્રીપેડથી પોસ્ટપેઈડ પર તબદીલ થવા પર ફરીથી કેવાયસી નહીં કરવાનું રહે. ટાવરનું સ્થાપન સ્વ -ઘોષણાના આધારે કરવામાં આવશે. ૧૯૫૩ ના નોટિફિકેશન મુજબ લાયસન્સ રાજ સમાપ્ત થઈ ગયું છે. હવે સાધનો ખરીદવામાં કોઈ સમસ્યા નહીં આવે. સતત બદલાતી ટેક્નોલોજીના આ યુગમાં, સરકાર ઇચ્છે છે કે કંપનીઓ ભારતમાં ૪જી/૫જી ટેક ડિઝાઇન કરે અને તેને સમગ્ર વિશ્વમાં નિકાસ કરે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ટેલિકોમ કંપનીઓને રાહત આપવા માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે. હવે ઓટોમેટિક રૂટ દ્વારા ટેલિકોમ સેક્ટરમાં ૧૦૦ ટકા રોકાણ કરી શકાય છે. સ્પેક્ટ્રમ શેરિંગને સંપૂર્ણપણે મંજૂરી આપવામાં આવી છે જેથી ટેલિકોમ શેરિંગમાં કોઈ પ્રતિબંધ ન હોય. ટેલિકોમ સેક્ટરમાં તમામ લેણાં માટે, તમામ કંપનીઓ કે જેના પર લેણાં છે તેના માટે ચાર વર્ષના મોરેટોરિયમને (સ્થગિતતા) મંજૂર કરવામાં આવી છે. મોરેટોરિયમ રકમ પર લેણાં ચૂકવવા પડશે. આ માટે વ્યાજ દર એમસીએલઆર દર ૨ ટકા છે. ટેલિકોમ સેક્ટરને લગતી બેલેન્સ સીટમાં બેંકનું જે પણ એક્સપોઝર હશે, તે ઘટશે. કેન્દ્ર સરકારે નોન-ટેલિકોમ વ્યવસાયને એજીઆર ના દાયરામાંથી બહાર કાઢ્યો છે. વ્યાજ દરોમાં રાહત આપવામાં આવી છે, દંડ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. સ્પેક્ટ્રમ ફી ૩૦ વર્ષમાં ચૂકવી શકાય છે. બિઝનેસ મોડલમાં ફેરફાર કર્યા બાદ સ્પેક્ટ્રમને સરન્ડર કરી શકાય છે, સ્પેક્ટ્રમ વહેંચણીમાં કોઈ પ્રતિબંધ નથી.

Previous articleમંત્રીઓના શપથ ગ્રહણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થતાં તર્કવિતર્ક
Next articleપાક.ના ટેરર કેમ્પમાં બે આતંકીને તાલીમ મળી હતી