તેમના પતિ જીગ્નેશ જોષીએ ભાલ વિસ્તારમાં ભરાતાં પાણીના નિકાલની વ્યવસ્થા કરી સાચાં કર્મયોગીની મિશાલ પ્રસ્તુત કરી છે : આરોગ્ય ક્ષેત્રની વિશિષ્ટ કામગીરી માટે ભાવનગરના ડૉ.દીપલ જોષી ‘મહિલા શક્તિ એવોર્ડ’ થી સન્માનિત કરાયા
ભાવનગરના દંપતિ ડૉ.દીપલ જોષી અને જીગ્નેષ જોષીએ સરકારી અધિકારી હોવાં છતાં લોકોની સંવેદના સાથે જોડાઇ પોતાના સેવાભાવથી એક સાચો કર્મયોગી કેવો હોઇ શકે તેની એક આગવી મિશાલ પ્રસ્તુત કરી છે. ડૉ.દીપલ જોષી હાલમાં ઘોઘા તાલુકાના ભૂંભલી ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તો તેમના પતિ ભાવનગર ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સરિતા માપક પેટા વિભાગમાં ફરજ બજાવે છે.
ડૉ.દીપલે કોરોના કાળ દરમિયાન પોતે સગર્ભા હોવાં છતાં કોરોનાગ્રસ્ત લોકોની સતત સેવા કરી હજારો દર્દીઓની સેવા- સુશ્રુષા કરી હતી. તેમના ત્યાગ, બલિદાન અને સમર્પણભાવ માટે તેમને ભાવનગર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમણે લોકોને વધુને વધુ રસી લે તે માટે પ્રોત્સાહિત કર્યા હતાં. તેમજ કોરોના દરમ્યાન લોકોના ટેસ્ટ કરતાં રહી લોકોને કોરોના જેવા ભયંકર રોગચાળામાંથી ઉગરવામાં મદદ કરી હતી. તેમની આ કામગીરીને ધ્યાનમાં લઇને સમગ્ર ભાવનગર જિલ્લામાંથી આરોગ્ય ક્ષેત્રે રાજ્ય કક્ષાએ તેમની પસંદગી કરવામાં આવી હતી. તેમની આરોગ્ય ક્ષેત્રની આ યશસ્વી કામગીરી માટે ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ‘મહિલા શક્તિ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ ત્રણ દિવસ પહેલાં જ એક દીકરીની માતા બન્યાં હોઇ તેમનાં વતી તેમના પતિશ્રીએ આ સન્માન સ્વીકાર્યું હતું.
ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેન રેખા શર્માના હસ્તે તેમને ‘મહિલા શક્તિ એવોર્ડ’ થી નવાજવામાં આવ્યાં હતાં. તેમના પતિ જીગ્નેશ જોશી પણ આ બાબતે પાછળ નથી. ચૂંટણી તેમજ મતદાન સુધારણાં કાર્યક્ર્મ દરમિયાન ખંત અને નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવવાં માટે તેમનું પણ ભાવનગર કલેકટરશ્રી દ્વારા બેસ્ટ સેક્ટર ઓફિસર તરીકે સન્માન કરવામાં આવી ચૂક્યું છે. ભાવનગરના ભાલ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલ માટે ભાલ પંથકમાં એક અલાયદી કેનાલનો માર્ગ તૈયાર કરીને પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવતું કાર્ય તેમણે કર્યું છે. ભાલ વોટર લોગીંગ કમિટી મેમ્બર તેમજ સુજલામ સુફલામ્ યોજનાના નોડલ અધિકારી તરીકે ભાવનગરની બધાં જ અગરોનો સર્વે કરી તેમજ હકીકતલક્ષી રિપોર્ટ તૈયાર કરી તેને ઇન્ટરનેશનલ જનરલ પબ્લિશ કર્યું છે. આ ઉપરાંત તેઓએ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘુસતું અટકાવવાં માટેની કામગીરી બદલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં છે. આમ, સરકાર સેવામાં હોવાં છતાં આ દંપતિએ સરકારી ફરજ ઉપરાંત સમાજ ઋણને માથે રાખીને લોકોના દુઃખે દુઃખી અને લોકોના સુખે સુખીની ભાવના રાખીને નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી એક આગવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.