રાજુલાના પીપરૂ નજીક ટ્રેલર અને બાઈક ગમખ્વાર અકસ્માત સર્જાતા કોળી આધેડનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું.
રાજુલા પંથકમાં આવેલા અનેક નાના-મોટા ઔદ્યોગિક એકમોને લઈને અહીં હજારો હેવી લોડેડ વાહનો માલસામાનની હેરફેર માટે અહીં દિવસ-રાત અવરજવર કરે છે અને માતેલા સાંઢની જેમ બેફિકરાઈથી ચાલતા વાહનો બિસ્માર માર્ગ તારવવામાં નાના વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જે છે. ત્યારે અહીં બિસ્માર માર્ગના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે જેમાં ગઈકાલે વહેલી સવારે ચાર વાગ્યાના પરોઢીયે મહુવા તરફથી આવી રહેલ ટ્રેઈલર જીજે ૧૮ એટી ૯૯૪૯ના ચાલકે સામેથી આવી રહેલ બાઈક જીજે ૧ સીએસ પ૩રને અડફેટે લેતા બાઈક પાછળના ટાયરમાં ફસાયું હતું. જેમાં બાઈક ચાલક ભગવાનભાઈ નારણભાઈ ધાપાનું ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને ટ્રેઈલર ચાલક અકસ્માત સર્જીને નાસી છુટ્યો હતો. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડુંગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.