કેરળમાં કોરોનાના કેસમાં વધારો : કોરોનાના નવા કેસમાં વધારો થયો એક્ટિવ કેસમાં ઘટાડો
નવી દિલ્હી, તા. ૧૬
ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર ઉછાળો નોંધાયો છે, ૨૫ હજારની અંદર પહોંચેલા નવા કેસનો આંકડો ફરી એકવાર ૩૦ હજારને પાર કરી ગયો છે. કેરળમાં પણ નવા કેસમાં ફરી એકવાર ઉછાળો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ ૪ લાખને પાર પહોંચેલા એક્ટિવ કેસ ફરી એકવાર સાડા ત્રણ લાખની અંદર આવી ગયા છે. ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦,૫૭૦ કેસ નોંધાયા છે અને ૪૩૧ દર્દીઓના મોત થઈ ગયા છે. જ્યારે ગઈકાલે દેશમાં કુલ ૨૭,૧૭૬ કેસ નોંધાયા હતા અને ૨૮૪ દર્દીઓના મોત થયા હતા.
દેશમાં કોરોનાના કેસનો આંકડો ફરીએકવાર ઊંચો જવાનું કારણ કેરળમાં વધતા કેસ છે. અહીં ગઈકાલે ૧૫,૮૭૬ નવા કેસ અને ૨૪નાં મોત થયા હતા જ્યારે આજે અહીં વધુ ૧૭,૬૮૧ કેસ નોંધાયા છે અને ૨૦૮ દર્દીઓના મોત થઈ ગયા છે. કોરોનાના નવા કેસમાં વધારો થવાની ખબરની સામે સાજા થયેલા દર્દીઓનો આંકડો મોટો જ રહ્યો છે. ૨૪ કલાકમાં વધુ ૩૮,૩૦૩ દર્દીઓ સાજા થયા છે. જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૨૫,૬૦,૪૭૪ થઈ ગઈ છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમણની સંખ્યા વધીને ૩,૩૩,૪૭,૩૨૫ અને મૃત્યુઆંક ૪,૪૩,૯૨૮ પર પહોંચ્યો છે. કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસનો આંકડો ફરી એકવાર ઘટીને સાડા ત્રણ લાખની અંદર પહોંચીને ૩,૪૨,૯૨૩ થઈ ગયો છે. દેશમાં ૧૬ જાન્યુઆરીએ શરુ થયેલા રસીકરણ અભિયાનનો કુલ આંકડો ૭૬,૫૭,૧૭,૧૩૭ પર પહોંચી ગયો છે. જેમાં પાછલા ૨૪ કલાકમાં વધુ ૬૪,૫૧,૪૨૩ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૪ મેના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે.