ભાવનગર તાલુકા અને ઘોઘા તાલુકાની હજારો હેક્ટર જમીન કે જ્યાં જીંગા ઉછેર થઈ શકે છે તેવી જમીન સરકાર દ્વારા મીઠા ઉદ્યોગને ટોકનદરે ફાળવવાની કરાઈ રહેલી તૈયારીનો ભારે વિરોધ જવા પામ્યો છે અને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. જો યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મીઠા ઉદ્યોગને અગાઉ ફાળવેલી જમીન જેમની તેમ પડી છે અને સરકારી ધારા-ધોરણોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે તે જમીનના બદલે હવે જીંગા ઉછેર થઈ શકે તેવી જમીન ન ફાળવવી જોઈએ જો તેમ થશે તો વિદેશી હુંડીયામણ અને દેશનો વિકાસ રૂંધાશે.
જીંગા ઉછેર માટે દોઢ વર્ષ પહેલા ફાળવેલી જમીન આજ સુધી માછીમારોને માપણી કરી આપવામાં આવી નથી તે જગ્યા ઉપર ગે.કા. દબાણો થયા છે જે અંગેની છ માસ પહેલા રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. માછીમારોને અન્યાય કરીને મીઠા ઉદ્યોગને જમીન ફાળવવામાં આવશે તો ર૦ ગામની ૬ હજાર હેક્ટર જમીન બરબાદ થશે અને માછીમાર પરિવારો બેકાર થશે ત્યારે આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરેલ અન્યથા ઉપવાસ આંદોલનની પણ ચિમકી આપવામાં આવી હતી.