૧૧ એકર જમીનમાં બનેલા નવા કાર્યાલયો પહેલાની સરખામણીએ પાંચ ગણી ઓછી જમીનમાં બન્યા છે
નવી દિલ્હી, તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ૨ સંરક્ષણ કાર્યાલય પરિસરોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંરક્ષણ કાર્યાલય પરિસર દિલ્હીના કસ્તૂર બા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુમાં છે. વડાપ્રધાન મોદીએ નવા કાર્યાલયો બનાવવાની જરૂર શા માટે પડી તે અંગે પણ વાત કરી હતી. સાથે જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર નિશાન સાધનારા લોકોને પણ ઘેર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું કે, આ નવા કાર્યાલયો ૧૧ એકર જમીનમાં બન્યા છે. પહેલાના કાર્યાલયોની સરખામણીએ ૫ ગણી ઓછી જમીનમાં બનીને તે તૈયાર થયા છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની વેબસાઈટ પણ લોન્ચ કરી હતી. પોતાના સંબોધનમાં વડાપ્રધાને તેને નવા ભારત તરફ આગળ વધી રહેલું પગલું ગણાવ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, આ નવી ઓફિસ સંરક્ષણ મંત્રાલયને વધુ મજબૂત બનાવશે. વર્તમાન કાર્યાલયો ખૂબ જ જૂના હતા અને તેમનું સાવ હળવું સમારકામ થતું હતું. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, જે લોકો સેન્ટ્ર વિસ્ટા પ્રોજેક્ટ પાછળ ડંડો લઈને પડ્યા હતા તેઓ આ પ્રોજેક્ટ પાછળ બિલકુલ ચૂપ રહેતા હતા, હકીકતે આ પણ સેન્ટ્રલ વિસ્ટાનો હિસ્સો જ છે. જે કામ આઝાદી પછી તરત જ થવું જોઈતું હતું તે ૨૦૧૪ બાદ શરૂ થયું. ભારતની રાજધાની એવી હોવી જોઈએ જેથી કેન્દ્રમાં લોકો, જનતા હોય. સેન્ટ્રલ વિસ્ટાના મૂળમાં પણ આ ભાવના જ છે. મોદી સરકારમાં સમય મર્યાદા પહેલા જ કામ થઈ રહ્યું છે નહીં તો સરકારી કામોમાં ખૂબ લાંબો સમય લાગે છે. એવું માનવામાં આવે છે કે, ૬-૭ મહિનાનું મોડું થાય તો કશો વાંધો નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલા મંત્રી હરદીપ પુરી અને રાજનાથ સિંહે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વર્તમાન ઓફિસ જે જગ્યાએ છે તે એક શતાબ્દી કરતા પણ જૂના છે માટે તેમને બદલવા જરૂરી હતા. રાજનાથ સિંહે જણાવ્યું કે, તે ઈમારતો જર્જરિત થઈ ગઈ હતી માટે નવી ઓફિસ જરૂરી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, આવાસ અને શહેરી કાર્ય મંત્રી હરદીપ સિંહ પુરી, રાજ્ય સંરક્ષણ મંત્રી અજય ભટ્ટ, રાજ્ય આવાસ અને શહેરી કાર્ય મંત્રી કૌશલ કિશોર, પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવત (સીડીએસ) અને સશસ્ત્ર દળોના પ્રમુખ સામેલ થયા હતા. નવા સંરક્ષણ કાર્યાલય પરિસરોમાં સેના, નૌસેના અને વાયુસેના સહિત સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળોના આશરે ૭,૦૦૦ અધિકારીઓ કામ કરી શકશે. પીએમઓના અહેવાલ પ્રમાણે આ ભવનો આધુનિક હોવાની સાથે સુરક્ષિત પણ છે. ભવન સંચાલનના પ્રબંધન માટે એક એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે જે બંને ભવનોની સુરક્ષા અને મોનિટરિંગ કરશે.