વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે “ગરીબોની બેલી” નો કાર્યક્રમ યોજાયો, કેબિનેટ પૂર્ણેશ મોદી હાજર રહ્યા

158

ગરીબના ઘરમાં સૂખનો સૂરજ ઉગે તે માટે અમારી સરકાર કટિબધ્ધ- મંત્રી પૂર્ણેશભાઇ મોદી જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ 6,578 મહિલાઓને ગેસ કનેક્શન અપાયું
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે નિમિતે દેશભરમાં અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજરોજ સરદારનગર ખાતે આવેલાં મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું કે, ગરીબોના ઘરમાં સુખનો સૂરજ ઉગે તે માટે અમારી સરકાર કટિબધ્ધ છે. રાજ્યના ગરીબ, વંચિત, શોષિત, પીડિતનો વિકાસ થાય તે દિશામાં અમારી સરકાર કાર્ય કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન ગરીબીમાંથી આવેલાં છે. એટલે તેમને ગરીબી શું એની ખબર છે. ગરીબ માણસનું જીવન સુખમય બને, ગરીબ વ્યક્તિના ઘરમાં સુખનો સૂરજ ઉગે અને વિકાસના દિવડા તેના ઘરે પ્રજ્જલિત કરવાનું કાર્ય ગરીબોની વેદના હૈયે રાખીને વડાપ્રધાનએ કર્યું છે. ઉજ્જવલા યોજના દ્વારા મહિલાઓને ધૂમાડામાંથી મુક્તિ અપાવીને ગેસના કનેક્શન આપ્યાં છે. કોરોનામાં લોકલ ફોર વોકલનો મંત્ર અપનાવી સ્વદેશી રસીને પ્રોત્સાહન આપીને તેમણે દેશના નાગરિકોને કોરોના રસીના બંને ડોઝ આપીને સુરક્ષિત કર્યા છે. જે લોકો બેંકનું પગથિયું ચડ્યાં નથી તેવા દેશના 36 કરોડ લોકોના જન-ધન ખાતા ખોલીને વિવિધ યોજનાઓના લાભો સીધે-સીધાં તેમના બેંક ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે. કોરોનાના કપરાં કાળમાં કરોડો લોકોને અનાજ પહોંચાડ્યું છે.

દેશ આઝાદ થયાં બાદ સ્વરાજ્ય મળ્યું પણ સુરાજ્ય મળ્યું નહોતું. વડાપ્રધાનએ વિકાસની રાજનીતિ શરૂ કરીને વિકાસના ફળ છેવાડાના માનવીને મળે, છેવાડાના માનવીને પણ શિક્ષણ મળે, ઘરે- ઘરે શૌચાલય બને તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ભારત હવે વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે અને હવે ભારતની ગણના વિશ્વના નેતૃત્વ લેનારાં દેશમાં થઇ રહી છે. વડાપ્રધાનએ મનરેગા દ્વારા ગામે ગામ રોજગારીના અવસરો ઉભા કર્યા છે. ગામે-ગામ વીજળી પહોંચાડીને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. નવયુવાનોને હુન્નર- કૌશલ્યની તાલીમ આપીને પોતે પોતાના પગ પર ઉભા રહી શકે તે માટે સક્ષમ બનાવ્યાં છે. વડાપ્રધાન દેશના 130 કરોડ લોકોનું જીવન કેવી રીતે સમૃધ્ધ થઇ શકે તે માટે પ્રયત્નશીલ છે ત્યારે તેઓ વધુ વિકાસની નવી ઉંચાઇઓ આંબે તે માટે તેઓને દિર્ઘાયુની કામના પણ તેમણે કરી હતી. ભાવનગરના મેયર કિર્તીબેન દાણીધારીયાએ જણાવ્યું કે, અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ચોમાસામાં મહિલાઓને ચૂલો સળગાવવામાં ઘણી તકલીફ પડતી હતી પરંતુ વડાપ્રધાનએ દેશની લાખો મહિલાઓને ગેસ કનેક્શન આપીને તેમાંથી મુક્તિ અપાવી છે. તેમણે મહિલાઓ સ્વચ્છતાના પ્રહરી બનીને શહેરને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપે તેવી વાંચ્છના પણ આ તકે કરી હતી. મંત્રી અને મહાનુભાવોના હસ્તે મહિલાઓને જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ 6,578 મહિલાઓને મળ્યું ગેસ કનેક્શન અને વાઉચરનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાલ સખા યોજનાના લાભાર્થીઓને તેમના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એમ. એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, સ્થાનિક કોર્પોરેટરઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Previous articleબાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા રામદેવપીરના જન્મોત્સવની ઉજવણી કરાઈ
Next articleભાવેણામા ભાદરવે ભરપૂર હેત વરસાવતા મેઘરાજા : શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ