દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આજે જન્મદિવસ નિમિત્તે દેશવાસીઓએ તેમના સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયું જીવન માટે અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશનું સુકાન સંભાળ્યા બાદ “સૌનો સાથ સૌનો વિકાસ”ના સુત્રને સાર્થક કરી ભારત વિશ્વમાં સુપરપાવર દેશ તરીકે ઉભરી આવે તેવા કાર્યો દ્વારા દેશનો વિકાસ થાય તેવી કામગીરી થઇ રહી છે. તેમજ ભાવનગર શહેર જિલ્લામાં સ્વચ્છતા જળવાઇ રહે અને સ્વચ્છ ભાવનગર બનાવવાના અભીયાન રૂપે ભાવનગર મહાનગર પાલિકામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના સૌ પ્રથમ મિકેનીકલ અને વેક્યુમ બેઝડ રોડ સ્વીપીંગ મશીનનું લોકાર્પણ કાર્યક્રમ ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોક ખાતે આજે સવારે ૧૦ કલાકે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મેયર કિર્તીબેન દાણીધારીયા, ડે. મેયર કુમાર શાહ, મ્યુ.ની કમિશ્નર એમ.એ. ગાંધી, આરોગ્ય કમીટીના ચેરમેન રાજુભાઇ પંડ્યા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, સહીતના પદાધિકારીઓ,સોલીડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર સોમપુરા, તેમજ સબંધીત વિભાગના અધિકારીઓ, ચુંટાયેલા નગરસેવકો, મહાપાલિકાનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. કર્મચારીઓએ બેનરો દ્વારા સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહીત કરવા અને સ્વચ્છતા માટે લોક જાગૃતિના હેતુથી સુત્રોચ્ચાર પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર મહાનગર પાલિકા દ્વારા સ્વીપીંગ મશીન જેની અંદાજીત કિં.૧.૮૩ કરોડ થાય છે આવા બે મશીનો મહાપાલિકા દ્વારા ખરીદવામાં આવ્યા છે. બે પૈકીનું એક મશીન આજથી ભાવનગર શહેરી વિસ્તારોમાં કાર્યરત થશે. આ અગાઉ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિત ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. તેજ રીતે આજે ઘોઘા ગેટ ચોક ખાતે સ્વીપીંગ મશીનનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.