દેશમાં એક દિવસમાં રસીના બે કરોડ ડોઝ અપાયા : માત્ર છ કલાકમાં જ એક કરોડ ડોઝ અપાયા : વિશ્વમાં સૌથી વધુ રસીનો સિંગલ ડોઝ લગાવનાર ભારત પ્રથમ
નવી દિલ્હી, તા.૧૭
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. દેશભરમાં બપોરે ૧ઃ૩૫ સુધી ૧ કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ભાજપના કાર્યકરો સતત કોવિડ-૧૯ રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે જેથી એક દિવસમાં રસીકરણના તમામ જૂના રેકોર્ડ પાછળ રહી જાય. આજે દેશમાં દિવસ દરમિયાન બે કરોડ જોઢ આપવાનો લક્ષ્યાંક પૂરો કરાયો હતો. ભારતીય જનતા પાર્ટીએ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૨ કરોડ કોરોના રસી રસીકરણનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રસીનો સિંગલ ડોઝ લગાવનાર દેશ બની ગયો છે અને ૬૨ ટકાથી વધુ પુખ્ત વસ્તીના લોકોને રસીનો ઓછામાં ઓછો સિંગલ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય એન્ડ પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં (૧૭ સપ્ટેમ્બર, સવારે ૭) ભારતમાં કોરોના રસીના ૭૭ કરોડ ૨૪ લાખ ૨૫ હજાર ૭૪૪ ડોઝ આપવામાં આવ્યા છે. દેશભરમાં ૫૮ કરોડ ૨૬ લાખ ૬ હજાર ૯૦૫ લોકોએ ઓછામાં ઓછો સિંગલ ડોઝ લીધો છે, જ્યારે ૧૮ કરોડ ૯૮ લાખ ૧૮ હજાર ૮૩૯ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.