અનિલ કુંબલે ફરી ટીમ ઇન્ડિયાના કોચ બની શકે છે

117

નવી દિલ્હી,તા.૧૮
આગામી ટી-૨૦ વર્લ્‌ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. વિરાટની મુશ્કેલી વધવાની છે. બીસીસીઆઇ ભારતના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેને ફરી એકવાર ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનાવવા માંગે છે અને તેના માટે તેઓ તેમનો સંપર્ક કરવાની તૈયારીમાં છે. કુંબલેએ વર્ષ ૨૦૧૭ માં ટીમ ઇન્ડિયાના હેડ કોચના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ મીડિયા અહેવાલોમાં તેમના અને કોહલી વચ્ચે અણબનાવના સમાચાર સામે આવ્યા હતા. વિરાટ કોહલીએ ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ બાદ ભારતીય ટી-૨૦ ટીમથી કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. ૪ વર્ષ પહેલા કુંબલેએ હેડ કોચ પદ છોડ્યા બાદ કોહલીએ રવિ શાસ્ત્રીને તેની જગ્યા રિપ્લેસ કરવાનું સમર્થન કર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા અનિવાર્ય પેનલની ભલામણોને પગલે કુંબલેને પરત લાવવાના માર્ગની શોધ કરવામાં આવી રહી છે. કોહલીએ ટી-૨૦ ની કેપ્ટનશીપ છોડી દીધી હોવાથી, બીસીસીઆઈને ખાતરી છે કે ટીમને નવા કોચની જરૂર છે. ગુરુવારે કોહલીના રાજીનામા બાદ એક અખબારી યાદીમાં બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું હતું કે બોર્ડ પાસે ટીમ ઈન્ડિયા માટે સ્પષ્ટ રોડમેપ છે. એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી ઇચ્છતા હતા કે કોહલીના મતભેદો હોવા છતાં ૨૦૧૭ માં કુંબલે આ પદ પર ચાલુ રહે. તે સમયે તેઓ બીસીસીઆઈની ક્રિકેટ સુધારણા સમિતિના સભ્ય હતા. કુંબલેને જૂન ૨૦૧૬માં કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારત તેના કોચના નેતૃત્વમાં ૨૦૧૭ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું હતું. ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કુંબલે હાલમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સના મુખ્ય કોચ છે. કુંબલેનો સંપર્ક કરતા પહેલા બીસીસીઆઈએ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના વર્તમાન કોચ મહેલા જયવર્દનેનો પણ સંપર્ક કર્યો હોવાનું માનવામાં આવે છે. જોકે, જયવર્દને શ્રીલંકાની ટીમ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝીને કોચિંગ આપવામાં રસ ધરાવે છે. બીસીસીઆઈના નવા બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ એક સમયે બે પદ પર રહી શકે નહીં. જો કુંબલે બોર્ડમાં આવવા માટે સંમત થાય છે, તો તેણે આઈપીએલ સોંપણી છોડી દેવી પડશે. કુંબલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ક્રિકેટ સમિતિના વડા પણ છે.

Previous articleશર્લિન ચોપડાએ શિલ્પાના નિવેદન ઉપર કટાક્ષ કર્યો
Next articleપંજાબના મુખ્યમંત્રીપદેથી અમરિંદરે રાજીનામું આપ્યું