કેરળમાં અધધ ૧,૮૯,૪૯૫ એક્ટિવ કેસ : છેલ્લા ૨૪ કલાકમાં ૩૩,૭૯૮ લોકો સાજા થયા છે, આ ઉપરાંત ૨૮૧ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે
નવી દિલ્હી, તા.૧૮
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોનાના નવા આંકડા જાહેર કરી દેવાયા છે. આ આંકડા પર નજર કરીએ તો દેશમાં હાલ ૩,૪૦,૬૩૯ એક્ટિવ કેસ છે. જેમાંથી એકલા કેરળ રાજ્યમાં જ સૌથી વધારે ૧,૮૯,૪૯૫ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં ૫૨,૦૦૨ એક્ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૩૫,૬૬૨ કેસ નોંધાયા છે. જેની સામે ૩૩,૭૯૮ લોકો સાજા થયા છે. આ ઉપરાંત ૨૮૧ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. નવા કેસ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ ૩ કરોડ ૩૪ લાખ ૧૭ હજાર ૩૯૦ થયા છે. જેની સામે ૩ કરોડ ૩૬ લાખ ૩૨ હજાર ૨૨૨ દર્દી સાજા થયા છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ ૪ લાખ ૪૪ હજાર ૫૨૯ લોકોનાં મૃત્યુ થયા છે. દેશમાં સાજા થવાનો દર ૯૭.૭ ટકા છે. જ્યારે મોતનું પ્રમાણ ૧.૩ ટકા છે. દેશમાં અત્યારસુધી કુલ ૭૯ કરોડ ૪૨ લાખ ૮૭ હજાર ૬૯૯ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રસીકરણને લઈને દેશમાં રેકોર્ડ બન્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી છે કે, દેશમાં એક જ દિવસમાં ૨.૫૦ કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. માંડવિયાએ કહ્યુ છે કે ભારતમાં એક દિવસમાં કોરોના રસીકરણનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ૨.૫૦ કરોડથી વધારો લોકોનું રસીકરણ થયું છે. શુક્રવારે પીએમ મોદીનો ૭૧મો જન્મ દિવસ હતો. ગુજરાતની વાત કરીએ તો એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૨૩,૬૮,૦૦૬ લોકોનું રસીકરણ થયું છે. શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૫ કેસ નોંધાયા છે. જેની સામે ૨૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૨ થયો છે.