ભારતમાં ૮૦ કરોડથી વધુ કોવિડ વેક્સીનના ડોઝ અપાયા, છેલ્લા ૨૪ કલાકમાં ૮૫,૪૨,૭૩૨ લોકોનું રસીકરણ
નવી દિલ્હી,તા.૧૯
દેશમાં કોરોના સંક્રમણની સ્પીડમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. દરરોજ ઉપર અને નીચે જઈ રહેલા કોરોનાના ગ્રાફને જોયા બાદ ત્રીજી લહેરની ચેતવણી સારી સાબિત થતી હોય એવું લાગી રહ્યું છે. વિશેષજ્ઞોએ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે જો કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો ઓક્ટોબર અને નવેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી શકે છે. રવિવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૭૭૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૦૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૪,૪૮,૧૬૩ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૦,૪૩,૭૨,૩૩૧ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫,૪૨,૭૩૨ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૨૩,૪૦,૧૬૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૬ લાખ ૭૧ હજાર ૧૬૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૮,૯૪૫ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૩૨,૧૫૮ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૪,૮૩૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૨૩,૪૦,૧૬૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના ૨૪ કલાકમાં ૧૫,૫૯,૮૯૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૩ કેસ નોંધાયા છે. જેની સામે ૨૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે.