કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો : પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટિ્વટ કરીને ચરણજીત સિંહના સીએમ બનવાની માહિતી આપી : સુખજિંદર સિંહનું નામ પણ આગળ ચાલી રહ્યું હતું
નવી દિલ્હી, તા.૧૯
ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ નિર્ણય ધારાસભ્યોની સર્વસંમતિથી લીધો છે. થોડા સમય પહેલા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે માહિતી આપી હતી કે, ધારાસભ્યો સાથે નિરીક્ષકોની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, ચરણજીત સિંહ ચન્ની સોમવારે (૨૦ સપ્ટેમ્બર) રાજ્યપાલને મળવા માટે સમય માંગી શકે છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટિ્વટ કરીને ચરણજીત સિંહ ચન્નીના સીએમ બનવાની માહિતી આપી હતી. થોડા સમય પહેલા સુધી સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લા પ્રસંગે ચન્નીના નામની જાહેરાત કરવામાં આવી હતી. રામદાસિયા શીખ સમુદાયમાંથી આવેલા ચન્ની પંજાબની ચમકૌર સાહિબ વિધાનસભાના ધારાસભ્ય છે. કેપ્ટનની કેબિનેટમાં ટેકનિકલ શિક્ષણ અને ઔદ્યોગિક તાલીમ મંત્રી રહેલા ચન્નીનું નામ ધારાસભ્યો અને નિરીક્ષકોની એક દિવસની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. ચમકીરથી ત્રીજી વખત ધારાસભ્ય બનેલા ચન્ની ૨૦૧૫-૨૦૧૬ સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. રાહુલની નજીક માનવામાં આવતા ચન્ની ૨૦૦૭માં પ્રથમ વખત ચમકૌર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ચરણજીત સિંહ ચન્ની કેપ્ટન અમરિંદર સિંહના કટ્ટર વિરોધી રહ્યા છે. ઉલ્લખનીય છે કે, ચૂંટણી પહેલા કોંગ્રેસ કોના હાથમાં પંજાબની કમાન આપશે તે રહસ્ય પરથી પરદો હટી ગયો છે. રવિવારે ચંદીગઢમાં દિવસભર કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠક બાદ ધારાસભ્ય અને મંત્રી સુખજિંદર સિંહ રંધાવાના નામ પર પહેલા સર્વસંમતિ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પરંતુ કોંગ્રેસ હાઈકમાને અંતિમ સમયે તમામને ચોંકાવી ચરણજીતસિંહ ચન્નીના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? હવે આ પ્રશ્ન દરેકના મનમાં હતો. આજે સવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોનીનું નામ સીએમ પદ માટે આવ્યું હતું, પરંતુ થોડા સમય પછી સમાચાર આવ્યા કે, તેમણે પોતે આ પદ માટે ના પાડી દીધી છે. અંબિકા સોની પંજાબમાં શીખ ચહેરો જોવા માંગે છે. દરમિયાન, હવે સુખજિંદર સિંહ રંધાવાના નામ પર સર્વસંમતિ હોવાનું ફાઈનલ જણાઈ રહ્યું છે. પંજાબ કોંગ્રેસના ધારાસભ્યો તેમના નામ માટે સંમત થયા છે. હવે આ નામ પરની મહોર હાઈકમાન્ડ તરફથી રાહ જોઈ રહી છે. તમને જણાવી દઈએ કે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સોનિયા ગાંધીને સીએમ પદેથી રાજીનામું આપવાના કારણોથી વાકેફ કર્યા હતા. કેપ્ટન અમરિંદરના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે આ પત્રમાં શું લખ્યું છે તેની માહિતી આપી છે. કેપ્ટન અમરિંદરે સોનિયાને લખ્યું છે કે, રાજ્યમાં છેલ્લા ૫ મહિનાની ઘટનાઓથી તેઓ અત્યંત દુઃખી છે.