ત્રણ વર્ષ પહેલા કરેલી માંગણીઓનું હજું પણ નિરાકરણ ન આવતા વિરોધ નોંધાવ્યો : તલાટી મંત્રીઓનો ૫ વર્ષના સમયગાળાને નિયમિત કરવો તેમજ પ્રમોશન આપવું સહિતની માંગણી કરાઈ
રાજ્યના તમામ જિલ્લાઓના તલાટી કમ મંત્રીઓની ત્રણ વર્ષ જૂની માંગણીનું નિરાકરણ ન આવતા જાહેર કરેલા શ્રેણીબદ્ધ વિરોધ કાર્યક્રમો અંતર્ગત આજે સોમવારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટીઓ દ્વારા હાથ પર કાળી પટ્ટી ધારણ કરી મૌન વિરોધ કર્યો હતો.
ત્રણ વર્ષ પહેલાં રાજ્યના તલાટી કમ મંત્રીઓએ પોતાની માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ કરી હતી. ત્યારે સરકાર તરફથી સકારાત્મક વલણ અપનાવી પડતર પ્રશ્નો અંગે ઘટતું કરવાની ખાતરી આપી હતી. જોકે, તે માંગણીઓનું નિરાકરણ ન આવતા આજે તલાટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તલાટી મંત્રીઓનો ૫ વર્ષના સમયગાળાને નિયમિત કરવો, એ ધોરણ પર પ્રમોશન આપવા ઉચ્ચતરની દરખાસ્તો કરવી, અને એ મંજૂર કરવી સહિતની માંગણીને લઈને આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ વીતી જવા છતાં પડતર માંગણીઓ પૈકીની એક પણ માંગણી ન સંતોષાતા રાજ્ય તલાટી મંત્રી મહામંડળે શ્રેણીબદ્ધ વિરોધ કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સોમવારે વલ્લભીપુર તાલુકાના તલાટી-મંત્રીઓએ કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ પ્રદશન કર્યું હતું.